લોગ વિચાર :
કલાયમેટ ચેન્જ (જલવાયુ પરિવર્તન)ના કારણે છેલ્લા છ મહિનામાં દેશમાં 2500 લોકોના મોત થયા છે અને 3.43 લાખ કરોડનું નુકસાન થયાના ચોંકાવનારા આંકડા જાહેર થયા છે.
પર્યાવરણવિદ ડો.સીમા જાવેદના જણાવ્યા અનુસાર સમગ્ર વિશ્વમાં ગરમીના કારણે મોટા પ્રમાણમાં લોકોના જીવ જઇ રહ્યા છે. તેનાથી થનારા અને થઇ રહેલા આર્થિક નુકસાનનો કોઇ અંદાજ કાઢી શકાય તેમ નથી. લોકોની કામ કરવાની ક્ષમતા પણ પ્રભાવિત થઇ છે. ખાડી વિસ્તારોમાં પણ આ પરિવર્તનના કારણે પુરનો ખતરો સતત વધી રહ્યો છે.
આ વર્ષે કલાયમેટ ચેન્જની ઘટનાઓથી હવામાન બગડયું છે. અત્યાર સુધીમાં અઢી હજાર લોકોના મૃત્યુ થયા છે અને 41 બીલીયન ડોલર (લગભગ 3.43 લાખ કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે. ભારતમાં પ્રચંડ ગરમી વચ્ચે આ રીપોર્ટ બ્રીટન સ્થિત બિનસરકારી સંગઠન ક્રિશ્ર્ચિયન એડ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. રીપોર્ટ અનુસાર છેલ્લા છ મહિનામાં ખરાબ હવામાનના કારણે આ ઘટનાઓ બનવામાં જલવાયુ પરિવર્તન જવાબદાર છે. આ અંદાજ ગત વર્ષે ડિસેમ્બરમાં દુબઇમાં આંતરરાષ્ટ્રીય પરિષદ બાદનો છે.
એનજીઓના જણાવ્યા મુજબ સંયુકત આરબ અમીરાતમાં જલવાયુ પરિષદ યોજાઇ હતી તે બાદ પણ ખતરનાક ઇંધણના ઉપયોગ છોડવા અને આવી આપત્તિઓ સામે લડવા ગરીબ દેશોનું સમર્થન કરવા માટે કોઇ ખાસ પ્રગતિ થઇ નથી. જર્મનીના બોનમાં સોમવારે જલવાયુ અંગેની પરિષદના બીજા સપ્તાહમાં જણાવાયું છે કે આ સંખ્યા એવું દર્શાવે છે કે સંકટની અસર અગાઉથી ઘણી વધી ગઇ છે.
એનજીઓના એક પદાધિકારીએ કહ્યું કે ગ્રીન હાઉસ ગેસ માટે સૌથી વધુ જવાબદાર અમીર દેશો છે. જેઓ વાતાવરણને ગરમ કરી રહ્યા છે. તેઓએ જવાબદારી લેવી જોઇએ. અન્ય દેશોમાં હવામાન અસરની ઘટનાઓ રોકવા માટે અને તેમને મદદ કરવા માટે ફંડીંગ વધારવું જોઇએ. જલવાયુ પરિવર્તનની ઘટનાઓ વચ્ચે ગરીબ દેશોને થનારા નુકસાનની ભરપાઇ માટે ખાસ ભંડોળ ઉભુ કરવા ઉપર સંમતિ સધાઇ હતી તે ઉલ્લેખનીય છે.
ભારતમાં પણ આ વર્ષે ઉનાળો ખુબ ધગ્યો છે. ચોમાસુ બેસી ગયું છે છતાં ગરમીમાં કોઇ રાહત મળતી નથી. તાપના કારણે પણ લોકોના મૃત્યુ થઇ રહ્યા છે. સતત આટલા દિવસ સુધી ઉંચુ તાપમાન મોટા શહેરોમાં અગાઉ લગભગ કયારેય રહ્યું નથી.