લોગ વિચાર :
ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના ક્રૂમેટ બૂચ વિલ્મોર સાથે બોઈંગ સ્ટારલાઈનરમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સુરક્ષિત રીતે પહોંચી ગઈ હતી. 59 વર્ષીય અવકાશયાત્રી તેના પ્રથમ મિશન પર નવા ક્રૂ સ્પેસક્રાફ્ટનું ઉડાન અને પરીક્ષણ કરનાર પ્રથમ મહિલા બની છે. ત્રીજી વખત અવકાશ યાત્રા કરીને તેણે એક ઇતિહાસ રચી દીધો છે.
અગાઉ ભગવાન ગણેશની મૂર્તિ અને ભગવદ ગીતાને અવકાશમાં લઈ જનાર સુનીતા વિલિયમ્સ તેની ત્રીજી યાત્રા માટે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર પહોંચી છે. સ્પેસ સ્ટેશન પર તેના આગમનની ઉજવણી કરવા માટે, તેણે થોડો ડાન્સ કર્યો અને ISS પર સવાર અન્ય સાત અવકાશયાત્રીઓને મળી હતી. સુનિતા અને વિલ્મોરનું બેલ વગાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું, જે ISS ની લાંબા સમયથી ચાલતી પરંપરા છે.
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર સ્ટારલાઈનર ઉડાડનાર પ્રથમ ક્રૂ મેમ્બર છે. બોઇંગ અવકાશયાન ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી લોન્ચ થયાના લગભગ 26 કલાક પછી ISS સાથે સફળતાપૂર્વક ડોક કર્યું. જો કે નાની હિલીયમ લીક જેવી ટેકનિકલ ખામીઓને કારણે ડોકીંગમાં લગભગ એક કલાકનો વિલંબ થયો હતો.
ISSના માર્ગમાં, ક્રૂએ પ્રથમ વખત અવકાશમાં સ્ટારલાઇનરને મેન્યુઅલી ઉડાવવા સહિત અનેક પરીક્ષણો પૂર્ણ કર્યા. તેઓ લગભગ એક સપ્તાહ અવકાશમાં વિતાવશે અને વિવિધ પરીક્ષણોમાં મદદ કરશે અને વૈજ્ઞાનિક પ્રયોગો કરશે. સ્ટારલાઇનર પર ઘરે પાછા ફરતા, તેઓએ સમુદ્રમાં નહીં પણ જમીન પર ઉતરવું પડશે. ત્રીજી વખત અવકાશ યાત્રા કરનારી સુનિતા વિલિયમ્સ પહેલી ભારતીય મૂળની અવકાશ યાત્રી છે.