લોગવિચાર :
દેવઊઠી એકાદશી બાદ શરૂ થયેલી લગ્નસરાની મોસમ પૂરબહારમાં ખીલી છે. ચાલુ વર્ષે લગનસરાના આરંભ સાથે જ મુહૂર્તની ભરમાર હોય શહેરમાં સંખ્યાબંધ લગ્નો લેવાયા છે. ડિસેમ્બરમાં ૧૫ દિવસમાં અધધધ ૧૧ લગ્નમુહૂર્ત સાથે જ લગ્નની શહેનાઈ ગૂંજતી રહેશે. જ્યારે ૧૬ ડિસેમ્બરથી કમુરતાનો આરંભ થતો હોય એક મહિનો માટે લગ્નસરાની સિઝન પર અલ્પવિરામ મુકાઇ જશે.
હિન્દુ સમુદાય અને પરંપરા પ્રમાણે દેવપોઢી એકાદશીથી દેવઊઠી એકાદશી સુધીના ચાર માસને ચાતુર્માસ કહેવામાં આવે છે. આ ચાતુર્માસ વેળાએ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં હોય લગ્નકાર્યો લેવાતા નથી. દીપોત્સવી પર્વની ઉજવણી બાદ દેવઊઠી એકાદશીએ તુલસી વિવાહ સાથે જ ફરીવાર લગ્નસરાનો આરંભ થાય છે. જેમાં ચાલુ વર્ષે દેવઉઠી એકાદશીથી જ લગ્નમુહૂર્તનો આરંભ થઈ ગયો હતો. મહારાજ કિરીટદત્ત શુક્લના જણાવ્યા મુજબ, લગ્નમુહૂર્તની દ્રષ્ટિએ લગ્નસરાની ચાલુ સિઝન ઘણી વિશેષ છે. સામાન્ય સંજોગોમાં દેવઊઠી એકાદશીની ઉજવણી બાદ પણ ગ્રહ, નક્ષત્રોની વિપરીત સ્થિતિને કારણે મુહૂર્ત રહેતા નથી. જોકે, ચાલુ વર્ષે દેવઊઠી એકાદશીથી જ મુહૂર્ત હોવાથી સંખ્યાબંધ આયોજનો કરી દેવાયા હતા.
તેમને વધુમાં ઉમેર્યું હતું કે, નવેમ્બર માસમાં ૧ર તારીખથી ૨૭ તારીખ સુધીમાં ૯ મૂહૂર્ત હતા. જોકે, ડિસેમ્બરમાં પણ આ રોનક અકબંધ રહેશે. કારણ કે, ડિસેમ્બરમાં તો પ્રથમ પખવાડિયામાં એટલે કે ૧૫ દિવસમાં જ ૧૧ મુહૂર્ત છે. ડિસેમ્બરમાં ર.૩, ૪, ૫, ૬, ૭, ૧૦, ૧૧, ૧ર, ૧૪, ૧૫ તારીખે લગ્નમુહૂર્ત છે. જ્યારે ૧૪મીથી કમુરતાનો આરંભ થશે. ૧૫મીએ રાત્રીએ ૧૦.૧૨ વાગ્યે સૂર્યદેવ ધન અને મૂળ રાશિમાં પ્રવેશ કરશે. તે સાથે જ ધનારક કમુરતા શરૂ થશે. ધનારક ૧૪૬ ડિસેમ્બરથી ૧૪ જાન્યુઆરી સુધી રહેશે. મકરસંક્રાંતિની ઉજવણી સાથે જ કમુરતા ઉતરશે અને ફરીવાર ૧૬ જાન્યુઆરીથી લગ્નકાર્યોનો દોર શરૂ થશે.