લોગ વિચાર :
આગામી 7 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની દેશની બીજી સૌથી મોટી રથયાત્રા (Rath Yatra ) યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં શહેર પોલીસ છેલ્લા ઘણા સમયથી તેની તૈયારીમાં વ્યસ્ત છે. ગુરુવારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. સંઘવી ગુરુવારે શહેરના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર પહોંચ્યા હતા.
તેણે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામજીના દર્શન કર્યા અને આરતી કરી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા 7 જુલાઈના શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં યોજાશે. તેઓ મંદિરના મહંત દિલીપદાસ મહારાજ, મુખ્ય ટ્રસ્ટી મહેન્દ્ર ઝાને મળ્યા હતા.
રથયાત્રાની સુરક્ષાને લઈને શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ યોજવામાં આવી છે. તેમણે કહ્યું કે વધુને વધુ લોકો ભગવાન જગન્નાથ માટે પ્રાર્થના કરી રહ્યા છે. રથયાત્રા દરમિયાન દર્શન કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રથયાત્રા સમયસર મંદિરેથી નીકળીને મંદિરે પરત આવે તે માટેની જરૂરી તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને અત્યાર સુધી કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
ટેક્નોલોજી સાથે લોકોનો સહકાર લેશે : સંઘવીએ જણાવ્યું કે, રથયાત્રામાં શહેર પોલીસ ટેકનોલોજીનો ઉપયોગ કરશે એટલું જ નહીં, તમામ લોકોને સાથે રાખીને આ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. મુખ્યમંત્રી પણ રથયાત્રાની તૈયારીઓ પર સતત નજર રાખી રહ્યા છે. સરકારએ સુનિશ્ર્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે આ વર્ષની રથયાત્રા અત્યાર સુધીની અન્ય તમામ યાત્રાઓની સરખામણીમાં શ્રદ્ધાળુઓની સંખ્યાના સંદર્ભમાં ઇતિહાસ તોડનાર સાબિત થાય.