લોગવિચાર :
આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં બુધવારે એક ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 15 લોકોના મોત થયા હતા અને 40 લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે યુનિટમાં ફસાયેલા 13 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ અચ્યુતપુરમ ફાર્મા કંપની અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
બુધવારની દુર્ઘટના અંગે, અનાકાપલ્લી જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય કૃષ્ણને જણાવ્યું હતું કે, જિલ્લાના અચ્યુતપુરમ સ્થિત એસેન્શિયા એડવાન્સ્ડ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડમાં બપોરે 2:15 વાગ્યે આગ લાગી હતી. ફેક્ટરીમાં બે શિફ્ટમાં 381 કર્મચારીઓ કામ કરે છે. આ વિસ્ફોટ લંચ સમયે થયો હતો. તેથી સ્ટાફની હાજરી ઓછી હતી.
તેમણે કહ્યું કે, વિસ્ફોટ ઇલેક્ટ્રિકલ સંબંધિત હોવાની આશંકા છે. 40 ઘાયલ લોકોને અનાકાપલ્લી અને અચ્યુતપુરમની અનેક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનાની માહિતી મળતાં જ ફાયર વિભાગ છ ફાયર એન્જિન સાથે ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને રાહત અને બચાવ કામગીરીમાં ચાલુ કરી હતી
દરમિયાન આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ કંપનીમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. માહિતી આપતા, રાજ્યના જનસંપર્ક વિભાગે જણાવ્યું છે કે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ આવતીકાલે અનાકાપલ્લી જિલ્લાના અચ્યુતપુરમની મુલાકાત લેશે અને ફાર્મા કંપની અકસ્માતમાં મૃતકો અને ઘાયલોના પરિવારોને મળશે. સીએમ નાયડુ અકસ્માત સ્થળનું પણ નિરીક્ષણ કરશે.