લોગ વિચાર :
કેદારનાથના રસ્તામાં ફસાયેલા 6980થી વધુ યાત્રીઓને અત્યાર સુધીમાં સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જયારે હાલ 1500થી વધુ શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો રસ્તામાં જયાં ત્યાં ફસાયા છે. મોબાઈલ સેવા ઠપ્પ થઈ ગઈ હોવાથી 150 જેટલા લોકો તેમના પરિવારજનો સાથે સંપર્ક ન થતો હોવાની ફરિયાદો કરી હતી, રેસ્કયુ ઓપરેશન દરમિયાન બે મૃતદેહો મળ્યા હતા. પગપાળા માર્ગ પર વાદળ ફાટવા અને ભૂસ્ખલનની ઘટનાના 3 દિવસ બાદ લિનચોલીમાં કાટમાળમાંથી બે શબ મળી આવ્યા હતા.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ કેદારનાથના પગપાળા માર્ગ પર વાદળ ફાટવા અને ભૂસ્ખલનની ઘટનાને કારણે હજારો લોકો ફસાઈ ગયા હતા. જેમાંથી 6980થી વધુ તીર્થયાત્રીઓને બચાવીને સુરક્ષિત સ્થળે લઈ જવાયા હતા. હજુ 1500થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા છે. બચાવ અભિયાનમાં વાયુસેનાના ચિનુક અને એમઆઈ 17 હેલિકોપ્ટરને ઉતારી દેવાયા છે.બચાવ અભિયાન દરમિયાન બે શબ મળી આવ્યા હતા. હિમાચલમાં વાદળ ફાટવાની ઘટનાથી ત્રણ જિલ્લામાં તબાહીથી મૃતકોની સંખ્યા 8 થઈ ગઈ છે અને 45 જેટલા લોકો હજુ પણ લાપતા છે, જેમની તપાસ ચાલુ છે.
બીજી બાજુ વરસાદ, વાદળ ફાટવા, પુર અને ભૂસ્ખલનના કારણે મોબાઈલ સેવા ઠપ્પ થઈ ગઈ છે. 150 જેટલા લોકોએ તેમના પરિજનો સાથે મોબાઈલથી સંપર્ક ન થતો હોવાની ફરિયાદો કરી હતી.સોનપ્રયાગના જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું કે પગપાળા માર્ગ પરથી રેસ્કયુ કરાયેલા યાત્રીઓને નાના-મોટા વાહનો દ્વારા ઋષિકેશ મોકલવામાં આવી રહ્યા છે. જેમાં બીમાર લોકોને સારવાર માટે અપાઈ છે.