ડ્રાયફ્રૂટ્સના ભાવ વધારા વચ્ચે પણ માંગમાં 18 ટકાનો વધારો : દિવાળી પર 'ગિફ્ટ્સ'નો વધતો ટ્રેન્ડ

લોગવિચાર :

ચાલૂ વર્ષે ડ્રાયફ્રુટ ઘણા મોંઘા હોવા છતાં ગત વર્ષની સરખામણીએ તેની ડીમાંડમાં સરેરાશ 18 ટકાનો વધારો થયો છે. સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક હોવાથી લોકોમાં ઉપયોગ વધ્યો હોવા ઉપરાંત હોટેલ-રેસ્ટોરા-નમકીન-આઈસ્ક્રીમ ક્ષેત્રમાં પણ વપરાશ વધ્યો છે. દિવાળી પર્વે ગીફટમાં સુકામેવા આપવાનો વધતો ટ્રેન્ડ પણ જવાબદાર છે.

ઓલ ઈન્ડીયા સ્પાઈસ ઈમ્પોર્ટસ ફેડરેશનનાં રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં સુકામેવાની કુલ ખરીદીમાંથી 50 ટકા હિસ્સો જથ્થાબંધ ધોરણે છે. કોવીડ પૂર્વેનાં સમયગાળામાં આ હિસ્સો 30 ટકા હતો. દિવાળી-તહેવારો દરમ્યાન સુકામેવાની ડીમાંડમાં મોટો વધારો થતો હોય છે.આ વર્ષે બદામનાં ભાવમાં સરેરાશ 12 થી 15 ટકા તથા કાજુમાં 10 થી 12 ટકાનો વધારો છે.

સંગઠનના સેક્રેટરી હિરેન ગાંધીએ કહ્યું કે નમકીન તથા નાસ્તામાં કાજુ-બદામનો ઉપયોગ વધી ગયો છે.ગુજરાતમાં કાજુ-બદામનું 15 થી 20 ટકા વેચાણ માત્ર નમકીન ક્ષેત્રમાં જ થાય છે. રેસ્ટોરા તથા કેટરીંગ અને મિઠાઈ ક્ષેત્રે પણ વપરાશ ઘણો વધી ગયો છે. 25 થી 30 ટકા કાજુ અને 10 થી 15 ટકા બદામનો ઉપયોગ આ ક્ષેત્રમાં છે.

ચાલુ વર્ષે 2024 માં બદામનો વપરાશ 40,000 ટન થવાનો અંદાજ છે કાજુનો વપરાશ 5500 ટનનો છે. તમામ ડ્રાયફ્રુટમાં સરેરાશ 7 થી 15 ટકાનો વધારો છે. ઘરઆંગણે વધતી ડીમાંડ તથા અમેરિકા-અફઘાનીસ્તાનમાંથી સપ્લાય ધીમી થયાનો પ્રત્યાઘાત હતો.

ભારત બદામની 65 ટકા આયાત અમેરિકાથી કરે છે કાજુની આયાત વિયેતનામ, તાંઝાનીયા, મોઝામ્બીકાથી થાય છે. કલાયમેન્ટ ચેન્જથી ઉત્પાદન પ્રભાવીત થયુ છે.પરીણામે સુકામેવામાં ભાવ વધારો છે.