લોગવિચાર :
ગઈકાલે ગુજરાત એસ.ટી નિગમ ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં આગામી દિવાળી તહેવાર નિમિત્તે વધુ બસ ચલાવવા અંગે માહિતી આપી હતી. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી સુરત નોકરી તથા ધંધા માટે સ્થાઈ થયેલ રત્નકલાકારો, શ્રમજીવીઓ વિગેરેને દિવાળીના તહેવારોમાં મોટા પ્રમાણમાં પોતાના માદરે વતન તરફ પરિવાર સાથે દિવાળી ઉજવણી કરવા જતા હોય છે. ત્યારે આ મુસાફરો માટે ગુજરાત એસ.ટી નિગમ ખાસ એક્સ્ટ્રા સંચાલન હાથ ધરે છે.
તા.26/10/2024 થી તા.30/10/2024 દરમ્યાન દિવાળીના તહેવારો દરમ્યાન પોતાના વતનમાં જવા માટે સુરત શહેરમાં વસ્તા સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાતના રત્નકલાકારો તેમજ દાહોદ પંચમહાલના શ્રમજીવીઓ માટે 2200 જેટલી એકસ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલ છે.
સૌરાષ્ટ્ર તરફનું એકસ્ટ્રા બસોનું સંચાલન ધારૂકા કોલેજ, વરાછા રોડ ખાતેના મેદાનમાંથી તા.26/10/2024 થી તા.30/10/24 સાંજે 04.00 થી રાત્રે 10.00 કલાક સુધી હાથ ધરવામાં આવશે.
દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલ તરફનું સંચાલન એસ.ટી.સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના ગ્રાઉન્ડ માંથી તેમજ અડાજણ બસ પોર્ટ ખાતેથી તા.26/10/2024 થી તા.30/10/2024 સાંજે 04.00 થી રાત્રે 10.00 કલાક સુધી હાથ ધરવામાં આવશે.
તા.14/09/2024 થી તા.25/10/2024 દરમ્યાન એકસ્ટ્રા ઉપડનાર બસોનુ બુકિંગ એસ.ટી સેન્ટ્રલ બસ સ્ટેશન, અડાજણ બસ સ્ટેશન,ઉધના બસ સ્ટેશન, કામરેજ બસ સ્ટેન્ડ, કડોદરા બસ સ્ટેશન તેમજ નિગમના તમામ બસ સ્ટેશનો ઉપરાંત એસ.ટી.દ્વારા નિમવામા આવેલ બુકિંગ એજન્ટો,મોબાઇલ એપ્લીકેશન તથા નિગમની વેબસાઇટ www.gsrtc.in ઉપરથી પણ ઓનલાઇન ટીકીટ બુકિંગ કરી શકાશે.