Operation All-out : છતીસગઢમાં 31 નકસલી, મણીપુરમાં 10 ઉગ્રવાદી, કાશ્મીરમાં 3 આતંકીનો ખાત્મો

લોગ વિચાર.કોમ

ઓપરેશન સિંદુરથી પાકિસ્તાનને ધૂળ ચાટતુ કરી દેનાર ભારતે હવે આતંકવાદ, નકસલવાદ તથા ઉગ્રવાદ એમ એક સાથે ત્રણ મોરચે અભિયાન હાથ ધરીને 43નો ખાત્મો કરવામાં આવ્યો છે. કાશ્મીરમાં ત્રાસવાદીઓ સાથે એન્કાઉન્ટરમાં 3 ઠાર થયા હતા અને અન્ય બે-ત્રણ ઘેરાઈ ગયા હોવાથી વધુના ખાત્મા થવાની શકયતા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે જણાવ્યું કે, છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર કુર્રાગુટ્ટુલુ હિલ્સમાં સુરક્ષા દળો દ્વારા 31 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા હતા, જે નક્સલી બળવાખોરી સામે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xપર એક પોસ્ટમાં, અમિત શાહે કહ્યું, NaxalFreeBharat ના સંકલ્પમાં એક ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરીને સુરક્ષા દળોએ નક્સલવાદ સામેના અત્યાર સુધીના સૌથી મોટા ઓપરેશનમાં છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર કુર્રાગુટ્ટાલુ હિલ્સમાં 31 કુખ્યાત નક્સલીઓને ઠાર કર્યા.

સીઆરપીએફ, એસટીએફ અને ડીઆરજીના જવાનોના પ્રયાસોની પ્રશંસા કરતા શાહે કહ્યું કે, સુરક્ષા દળોએ માત્ર 21 દિવસમાં જ વિશાળ નક્સલ વિરોધી મિશન પૂર્ણ કર્યું.

‘જે ટેકરી પર એક સમયે લાલ આતંકનું રાજ હતું, આજે તે ટેકરી ગર્વથી લહેરાવી રહી છે. કુર્રાગુટ્ટાલુ ટેકરી PLGA બટાલિયન 1, DKSZC, TSC અને CRC જેવા મોટા નક્સલ સંગઠનોનું એકીકૃત મુખ્યાલય હતું, જ્યાં નક્સલ તાલીમની સાથે, વ્યૂહરચના અને શસ્ત્રો પણ વિકસાવવામાં આવતા હતા.

આપણા સુરક્ષા દળોએ આ સૌથી મોટું નક્સલ વિરોધી ઓપરેશન માત્ર 21 દિવસમાં પૂર્ણ કર્યું અને મને ખૂબ આનંદ છે કે આ ઓપરેશનમાં સુરક્ષા દળોમાં એક પણ જાનહાનિ થઈ નથી. હું આપણા CRPF, STF અને DRG સૈનિકોને અભિનંદન આપું છું.

જેમણે ખરાબ હવામાન અને દુર્ગમ પર્વતીય વિસ્તારમાં પણ પોતાની બહાદુરી અને હિંમતથી નક્સલવાદીઓનો સામનો કર્યો. આખો દેશ તમારા પર ગર્વ કરે છે,’ ગૃહમંત્રી શાહે કહ્યું.

‘અમે 31 માર્ચ, 2026 સુધીમાં નક્સલવાદનો અંત લાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લેવામાં આવેલા સંકલ્પને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે 31 નક્સલીઓના મૃતદેહ શોધી કાઢ્યા છે, અને તે 1200 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે અને અમારી પાસે માહિતી છે કે મોટી સંખ્યામાં નક્સલીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે.

જે 31 નક્સલીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે તેમાંથી 28 ની ઓળખ થઈ ગઈ છે. આ ઓપરેશનને ઓપરેશન બ્લેક ફોરેસ્ટ નામ આપવામાં આવ્યું હતું, કોબ્રા, CRPF અને છત્તીસગઢ પોલીસની ટીમો આ ઓપરેશનમાં સામેલ હતી," CRPF ડીજી સિંહે જણાવ્યું હતું.

નકસલવાદ સામેના આ સૌથી મોટા ઓપરેશનમાં તેઓના છુપા અડ્ડાઓનો સફાયો કરાયો હતો જેમાં શસ્ત્રો-વિસ્ફોટકો બનાવાયા હતા. મોટીમાત્રામાં હથિયારો પણ જપ્ત કરાયા હતા.

આ સિવાય મણીપુરના ચંડેલમાં આસામ રાયફલ્સના જવાનોએ મોટુ ઓપરેશન હાથ ધર્યુ હતું. તેમાં 10 ઉગ્રવાદીઓનો ખાત્મો કરાયો હતો. સૈન્યના ઈસ્ટર્ન કમાંડ દ્વારા ટવિટ કરીને જાહેર કરાયુ છે કે ભારત-મ્યાંમાર સરહદ નજીકના ચંદેલ ક્ષેત્રમાં ઉગ્રવાદીઓની મુવમેન્ટની ગુપ્તચર બાતમીના આધારે ઓપરેશન શરૂ કરાયુ હતુ તેમાં 10 ને ઠાર મારવામાં આવ્યા હતા. ઓપરેશન હજુ ચાલુ છે. મોટીમાત્રામાં શસ્ત્રો-દારૂગોળો મળ્યો છે.

આ ઉપરાંત કાશ્મીરના અવંતીપોરાના ત્રાલ ક્ષેત્રમાં સૈન્ય જવાનોએ ત્રણેક ત્રાસવાદીઓને ઘેરને એન્કાઉન્ટર હાથ ધર્યુ હતું તેમાંથી એકને ઠાર કરી દેવાયો હતો અને બાકીના બે-ત્રણ સામે અથડામણ ચાલુ છે. શોપિયામાં ગઈકાલે ત્રણ આતંકીનો ખાત્મો કરાયો હતો. 48 કલાકમાં આ બીજુ ઓપરેશન છે.