લોગવિચાર :
તહેવારોની સિઝનમાં દિવાળીની રજામાં વિમાની ભાડા આસમાને પહોંચી ગયાં હોવાથી મુસાફરી કરવી મોંઘી બની છે. સામાન્ય દિવસોની સરખામણીમાં, અમદાવાદથી વિવિધ સ્થળો માટે 31 ઑક્ટોબરથી 5 નવેમ્બર વચ્ચે હવાઈ ભાડામાં 374 ટકાનો વધારો થયો છે.બાગડોગરાની રિટર્ન ટિકિટની કિંમત વ્યક્તિ દીઠ સામાન્ય ભાડાનાં રૂ. 12500 સામે હવે રૂ. 59356 થઈ છે.
તેવી જ રીતે જયપુર (125.5 ટકા), જોધપુર (94.3 ટકા), જમ્મુ (87.8 ટકા) અને કોચી (79.7 ટકા) માટે ટિકિટના ભાવ આસમાને છે, કારણ કે આ એરપોર્ટ પ્રવાસીઓને અમદાવાદથી વિવિધ સ્થળો સાથે સીધી ફ્લાઇટ જોડે છે. ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા ગુજરાત ચેરપર્સન વીરેન્દ્ર શાહે જણાવ્યું હતું કે "દિવાળી પહેલાં હવાઈ મુસાફરીની એકંદર માંગ નોંધપાત્ર રીતે ઊંચી હોય છે.
અમુક દેશો માટે વિઝાની સમસ્યાને કારણે ઘરેલુ મુસાફરીમાં પણ વધારો થયો છે, ગયાં વર્ષની દિવાળીની સરખામણીમાં બુકિંગ લગભગ 25 ટકા વધ્યાં છે. શાહે જણાવ્યું હતું કે, આ વખતે ઉત્તરપૂર્વ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ અને તમિલનાડુના સ્થળો અમદાવાદ અને ગુજરાતનાં લોકોમાં પ્રવાસ માટે ખૂબ જ લોકપ્રિય છે.
રસપ્રદ વાત એ છે કે, તહેવારો સિવાયના દિવસોની સરખામણીમાં હવાઈ ભાડા એકદમ ઊંચા હોવા છતાં, ગયાં વર્ષની સામે તે હજુ પણ એકદમ સસ્તાં છે. જ્યારે દિવાળી 2023 ના પખવાડિયા પહેલાં બુકિંગ કરવામાં આવ્યું હતું.
ત્યારે રિટર્ન ટિકિટ માટે કોચીનું હવાઈ ભાડું વ્યક્તિદીઠ રૂ. 57400 જેટલું ઊંચું હતું. તેવી જ રીતે, બાગડોગરા (રૂ.45389), જયપુર (રૂ. 24963), દેહરાદૂન (રૂ. 33763), ચંડીગઢ (રૂ. 36998), અને કોલકાતા (રૂ. 41830) પણ આ વર્ષના હવાઈ ભાડાં કરતાં 30-60 ટકા વધુ હતાં.
ઉદ્યોગોના નિષ્ણાતોને મતે એર ટિકિટનાં ભાવમાં ઘટાડા માટે ક્ષમતામાં વધારો અને તેલના ભાવમાં તાજેતરનાં ઘટાડાને પરિબળો ગણવામાં આવે છે. એક ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલ દ્વારા કરવામાં આવેલ વિશ્લેષણ દર્શાવે છે કે દેશભરમાં ડોમેસ્ટિક રૂટ પર સરેરાશ હવાઈ ભાડું 20-25 ટકાની રેન્જમાં ઘટ્યું છે.