વિટામિન ડી3, કેલ્શિયમ જેવી 49 દવાઓ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ

લોગવિચાર :

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનએ 49 દવાને ગુણવત્તાનાં ધોરણોમાં ફેઈલ કરી છે. લાઇફ મેક્સ કેન્સર લેબોરેટરીઝ દ્વારા ઉત્પાદિત કેલ્શિયમ 500 એમજી અને વિટામિન ડી3 ગોળીઓ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનના પરીક્ષણોમાં નિષ્ફળ ગઈ છે.

સીડીએસસીઓએ સપ્ટેમ્બર માટે તેનો અહેવાલ પ્રકાશિત કર્યો છે. આ રિપોર્ટમાં 49 દવાઓની ઓળખ કરવામાં આવી છે, જે માપદંડોને પૂર્ણ કરી શકી નથી. સીડીએસસીઓએ આ મહિને કુલ 3000 દવાઓનું પરીક્ષણ કર્યું હતું, જેમાંથી 49 દવાઓ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ હતી.

આ સિવાય સીડીએસસીઓએ ચાર દવાઓની પણ ઓળખી હતી જે નકલી કંપનીઓ દ્વારા બનાવવામાં આવી રહી છે. જનહિતને ધ્યાનમાં રાખીને સીડીએસસીઓએ ખામીયુક્ત દવાઓ પાછી ખેંચી લેવા જણાવ્યું છે.

સીડીએસસીઓના ચીફ રાજીવ સિંહ રઘુવંશીએ કહ્યું કે માત્ર 1 ટકા દવાઓ જ ટેસ્ટમાં ફેલ થઈ હતી. આ દર્શાવે છે કે નીચી અને નકલી દવાઓને રોકવા માટે સીડીએસસીઓના પ્રયાસો અસરકારક સાબિત થઈ રહ્યાં છે.

સીડીએસસીઓ દ્વારા ગુણવત્તાનાં ધોરણોમાં નબળી દવાઓ પૈકી, હિન્દુસ્તાન એન્ટિબાયોટિક્સની મેટ્રોનીડાઝોલ ગોળીઓ, રેનબો લાઇફ સાયન્સની ડોમ્પેરિડોન ગોળીઓ અને પુષ્કર ફાર્માના ઓક્સીટોસિન ઇન્જેક્શન પણ પરીક્ષણમાં નિષ્ફળ ગયાં છે.

અન્ય દવાઓમાં સ્વિસ બાયોટેક પેરેન્ટેરલ્સમાંથી મેટમોર્ફિન, કેલ્શિયમ 500 એમજી અને લાઇફ મેક્સ કેન્સર લેબોરેટરીઝમાંથી વિટામિન ડી3 250 આઇયુ  ગોળીઓનો સમાવેશ થાય છે.

આ સાથે એલ્કેમ લેબની પાન 40 ટેબલેટ પણ નકલી હોવાનું જાણવા મળ્યું છે. કર્ણાટક એન્ટિબાયોટિક્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની પેરાસિટામોલની ગોળીઓ પણ નબળી ગુણવત્તાની હોવાનું જાણવા મળ્યું છે.

આ સિવાય અન્ય દવાઓમાં ગોઝ રોલ, નોન-સ્ટીરિન રોલર બેન્ડેજ અને ડીક્લોફેનાક સોડિયમ ટેબ્લેટનો પણ સમાવેશ થાય છે.  સીડીએસસીઓની આ કાર્યવાહી દર મહિને કરવામાં આવતી તકેદારીની કાર્યવાહી છે.