નકલી IAS ઓફિસર તરીકે નોકરી ઇચ્છુકોને 60 લાખનો ચૂનો : બોગસ પરીક્ષા પણ લેવામાં આવી

લોગ વિચાર :

ગુજરાતમાં નકલી અધિકારીથી માંડીને બનાવટી સરકારી કચેરીઓ સુધીના કિસ્સા પ્રકાશમાં આવ્યા જ છે. ત્યારે વધુ એક સનસનીખેજ બનાવમાં બનાવટી આઈએએસ અધિકારીની ટોળકીએ સરકારી નોકરીની લાલચ આપીને 60 લાખનો ચુનો ચોપડયાનું બહાર આવ્યું છે. મહત્વની વાત એ છે કે બોગસ પરીક્ષા પણ લઈ લેવામાં આવી હતી.

કેન્દ્ર સરકારનાં ઉદ્યોગ નિગમ એકમ નામની કચેરીમાં ભરતીના નામે કૌભાંડીયાઓએ ગુજરાતીમાં વિજ્ઞાપન પ્રકાશીત કરી હતી. વર્ગ 3 અને વર્ગ-4 માં ભરતી હોવાનું જણાવવામાં આવ્યું હતું.કૌભાંડીયા ટોળકીમા એક ગુપ્તાએ આઈએએસ હોવાની ઓળખ આપી હતી. અને વિનોદ પટેલ તેનો સાગ્રીત હતો આ ટોળકીએ ગાંધીનગરની સ્ટાફ ટ્રેનીંગ કોલેજ તથા બાલાશિનોરની સરસ્વતી સ્કુલમાં બનાવટી પરીક્ષા પણ લઈ લીધી હતી એટલે નોકરી વાંચ્છુઓને કૌભાંડ વિશે કોઈ ગંધ આવી ન શકે.

અમરેલીના 56 વર્ષના પત્રકાર હરેશ ટાંકે ગત માર્ચમાં ગાંધીનગર પોલીસવીડાને કૌભાંડ વિશે ફરિયાદ કરતા સમગ્ર ખુલાસો થયો છે. ગાંધીનગર સેકટર-7 પોલીસ દ્વારા પ્રાથમીક તપાસ બાદ હવે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદમાં હરેશ ટાંકે એમ કહ્યું છે કે, પોતે મે 2023માં ગાંધીનગર જુના સચીવાલયમાં દાહોદના વિનોદ પટેલ નામના શખ્સને મળ્યા હતા. વિનોદ પટેલ પણ પત્રકાર હતો એટલે તુર્ત મૈત્રીભર્યા સંબંધો બંધાઈ ગયા હતા. આ તકે વિનોદ પટેલે અખબારમાં પ્રકાશિત ભરતીની જાહેરાત દેખાડી હતી. પોતાને અનેક આઈએએસ અધિકારીઓ સાથે ગાઢ સંબંધો હોવાનો દાવો કર્યો હતો. હરેશ ટાંકને તેમના કોઈ પરિજનને નોકરીની જરૂર હોય તો અપાવી દેવાની લાલચ આપી હતી.

આ તકે હરેશ ટાંકે પોતાના 19 વર્ષીય પુત્ર જેનીલ તથા 56 વર્ષીય પત્ની માટે ઈચ્છા દર્શાવી હતી. નોકરીમાં કોઈ વયમર્યાદા નથી એટલે સો ટકા નોકરી મળી જવાની વિનોદ પટેલે ગેરંટી આપી હતી.

વિનોદ પટેલે શરૂઆતમાં દરેક નોકરી દીઠ 20 લાખ માંગ્યા હતા. હરેશ ટાંકે મિત્ર અલ્પેશ ગોસ્વામીને વાત કરતા તેણે પણ પોતાના પુત્ર ભારત માટે નોકરીની ઈચ્છા દર્શાવી હતી. આ તકે વિનોદ પટેલે ત્રણ નોકરી પેટે 30 લાખ એડવાન્સમાં લઈ લીધા હતા અને બાદમાં પરીક્ષાનું સ્થળ તથા તારીખ આપ્યા હતા. ગત જુનમાં ત્રણેય દ્વારા પરીક્ષા પણ આપી દેવામાં આવી હતી.

પરિક્ષા બાદ હરેશ ટાંક, અલ્પેશ ગોસ્વામી તથા વિનોદ પટેલ ફરી જુના સચીવાલયમાં મળ્યા હતા ત્યારે પાર્કીંગમાં ઈનોવા કારમાં રહેલા ગુપ્તાની ઓળખાણ કરાવી હતી. તેઓ આઈએએસ અધિકારી હોવાનું કહ્યું હતું અને એક માસમાં નોકરીનો નિમણુંકપત્ર મળી જવાનુ વચન આપીને બાકીના 30 લાખ માંગ્યા હતા.

મહિના કરતા વધુ સમય વીતી જવા છતાં નિમણુંકપત્ર ન મળતા તેઓએ ફરી વખત વિનોદ પટેલને મળવાનુ અને દબાણ કરવાનું શરૂ કર્યુ હતું ત્યારે વિનોદ પટેલે પોલીસ તથા આઈએએસ સાથે ધરોબો હોવાનો રૂઆબ છાંટીને ગંભીર પરિણામોની ધમકી આપવાનું શરૂ કરી દીધુ હતું.

નોકરીની લાલચમાં છેતરાઈ ગયા હોવાનું ભાન થતા છેવટે હરેશ ટાંકે પોલીસમાં વિનોદ પટેલ તથા બનાવટી આઈએએસ અધિકારી સામે ફરિયાદ દાખલ કરી હતી. ગાંધીનગર સેકટર-7ના પોલીસ ઈન્સ્પેકટર પી.બી.ચૌહાણે જણાવ્યું હતું કે આઈએએસ અધિકારીથી માંડીને ભરતી માટે દર્શાવાયેલી કચેરી, પરીક્ષા કેન્દ્ર, પરીક્ષાના પેપર સહિત બધુ બોગસ હોવાનું માલુમ પડયુ છે અને નોકરીવાંચ્છુઓને છેતરવાનો જ ખેલ હતો.