વરસાદને કારણે ફૂલોના ભાવમાં 70 ટકાનો વધારો

લોગવિચારઃ

પુજા હોય કે તહેવાર પ્રસંગ હોય કે અન્ય કોઈ ઉજવણી ફુલનો ઉપયોગ વધુ થાય છે. ખાસ કરીને ધાર્મીકોત્સવમાં ફૂલની સજાવટ અને ફૂલ ચડાવવાનું મહત્વ વધુ હોય છે. પરંતુ હવે ભગવાનને ફૂલ ચડાવવા પણ મોંઘા પડશે છેલ્લા 10 દિવસથી ફુલના ભાવના ધરખમ વધારો થયો છે.

દેશમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને પરિણામે મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ફુલ ખુબ કુમલી પ્રજાતિ હોવાથી બગળવાનું પ્રમાણ વધુ હોય છે. ભારે વરસાદના કારણે ફુલનો માલ ધોવાય ગયો છે. તેના કારણે ફુલની આવક ઠપ્પ થયેલ છે. પુજા, નાસિક, બેંગ્લોર, અમદાવાદથી આવતા ફુલમાં 50 ટકા માલ બગડી જાય છે.ભારે વરસાદના કારણે ફૂલનો પાક ધોવાણ ગયો છે.

નવો માલ આપવામાં સમય લાગશે.આગામી સમયમાં ગણેશ ચતુર્થી અને નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે. જેમાં ફૂલોનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે. હાલ ફૂલોના ભાવમાં 70 ટકા સુધીનો ભાવ વધારો થયો છે. તેમાં પણ ગુલાબ, ગલગોટા, ડચ ગુલાબના ભાવ આસમાને પહોચ્યા છે.ગુલાબના ભાવ પહેલા રૂ.50 થી 60 હતા જે ભાવ વધી રૂ.300 થી વધારે થય ગયા છે. ગોલગોટાનો ભાવ રૂ.50 હતા.

જે હાલ વધીને રૂ.150થી વધુ થયા છે વેપારીઓ પણ મુઝવણમાં મુકાયા છે. તેમજ ટ્રાસ્પોર્ટશનમાં માલ બગડતા ખરીદનાર પણ ઘટયા છે. આગામી દિવસોમાં તહેવાર શરૂ થવા જઈ રહ્યા છે. હજુ ભાવ વધવાની શકયતા છે.

આવક ઠપ્પ: અન્ય રાજયોમાંથી આવતા ફૂલોનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ થયો બમણો
હાલ વરસાદની સિઝન ચાલી રહી છે. તેની સાથોસાથ તહેવારો પણ શરૂ થઈ ગયેલ છે. તહેવારોમાં ફૂલ વેચતા ધંધાર્થીઓ માટે સિઝનની શરૂઆત થઈ જાય છે. હાલ ગણેશ મહોત્સવ અને તે પછી નવરાત્રીનો પર્વ આવી રહ્યો છે. આ બંને પર્વમાં ફૂલોનું સૌથી વધુ વેચાણ હોય છે સાથે જ ફૂલોના ધંધાર્થીને પણ સારી એવી આવક થતી હોય છે. પરંતુ હાલ પરિસ્થિતિ કંઈક અલગ જ સામે આવી રહી છે.

ફૂલોનું વેચાણ કરતા વેપારીઓ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલ વરસાદની સિઝન ચાલી રહી છે. તેમાં જન્માષ્ટમીના તહેવાર પર ભારે વરસાદ થવાને પરિણામે ફૂલોનો મોટાભાગનો માલ બગડી ગયો છે.

અન્ય રાજયો બેંગ્લોર નાસીક, મધ્યપ્રદેશ પુનાથી આવતો ફૂલોનો માલ અટકતા ધંધા સાવ ઠપ્પ થયેલ છે. તેમજ ફૂલોના આવક ઓછી થતાની સાથે ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં કિલો દીઠ રૂ.20 થી 25 ભાડુ વધારે ચુકવું પડે છે.

વધુમાં જણાવ્યું હતું કે, ફૂલોનો માલ બગડી જતા શ્રાવણ માસ તેમજ દશામાં ના દિવસોમાં પણ કોઈ ખાસ ધરાકી જોવા મળેલ નથી. આગામી દિવસો ફૂલોનો ભાવ વધી જશે તેવી શકયતા છે.