તહેવારો દરમિયાન 70 ટકા લોકો ઓફલાઈન ખરીદી કરશે

લોગવિચાર :

ઓનલાઈન ખરીદીનાં દોડતા ટે્રન્ડથી ખાસ કરીને તહેવારોની સીઝનમાં નાના-ઓફલાઈન વેપારીઓમાં ઉહાપોહ સર્જાયો હોય છે. ત્યારે લોકલ સર્કલનાં એક સર્વેમાં એવા રસપ્રદ તારણો નિક્ળ્યા છે કે તહેવારોમાં 70 ટકા લોકો પોતાની ખરીદી ઓફલાઈન જ કરશે.

સર્વેમાં એમ જણાવ્યુ છે કે 4 ટકા લોકોએ તહેવારોમાં 1 લાખથી વધુ, 4 ટકા લોકોએ 50,000 થી 1 લાખ સુધી, 18 ટકા લોકોએ 20,000 થી 50,000, 26 ટકા લોકોએ 10,000 થી 20,000, 14 ટકા લોકોએ 5000 થી 10000, 8 ટકા લોકોએ 2000 થી 5000 સુધીની ખરીદી કરવાની ગણતરી રાખી છે.26 ટકા લોકોએ ખરીદીની કોઈ યોજના ન હોવાનું જાહેર કર્યુ છે.

સર્વેમાં કુલ 12008 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા તેમાંથી 10 ટકા લોકોએ ઈ-કોમર્સ વેબસાઈટ તથા સેલ્સ મારફત ઓનલાઈન, 5 ટકાએ વોટસએપ મારફત ખરીદી કરવાનું કહ્યું હતુ. 70 ટકા લોકોએ મોલ, રીટેઈલ, સ્ટોર તથા લોકલ માર્કેટોમાંથી ખરીદી કરવાનું કહ્યું હતું. 6 ટકા લોકોએ અન્ય માધ્યમથી ખરીદી કરવાનું જણાવ્યું હતું.

12249 લોકોનો સમાવેશ કરાવેલા અન્ય સર્વેમાં એવા રસપ્રદ તારણ નીકળ્યા છે કે 46 ટકા લોકો ખરીદીમાં સંબંધિત ચીજ વસ્તુની કિંમતને મહત્વ આપે છે. અર્થાત કિંમતને ધ્યાનમાં રાખીને ખરીદી કરે છે. 43 ટકા લોકો કવોલીટીને ધ્યાનમાં રાખતાં હોવાનું કહ્યું હતું જયારે 8 ટકા લોકોએ પસંદગી-રેન્જના ધોરણે ખરીદી કરવાનું કહ્યું હતું.

ભારતભરમાં નવરાત્રીથી દિવાળી સુધીનો સમયગાળો ખરીદીની મોટી સીઝન ગણાય છે. ઘર સજાવટની નાની-મોટી ચીજો કપડાથી માંડીને સોના-ડાયમંડ સુધીની મોટી ખરીદી થતી હોય છે અને તેનો લાભ લેવા વેપારી વર્ગ આગોતરી તૈયારી કરતો હોય છે. ઓનલાઈન-ખરીદીના વધતા ટ્રેન્ડ સામે ઓફલાઈન વેપારીઓ કેટલાંક નિયંત્રણો મુકવા સહીતની માંગ કરી રહ્યા છે.