પશ્ચિમ બંગાળમાં ખતરનાક રેમલ વાવાઝોડાના કારણે ભારે વિનાશ

લોગ વિચાર :
પશ્ચિમ બંગાળમાં મધરાત્રે ત્રાટકેલા અને ખતરનાક બની ગયેલા વાવાઝોડા ‘રેમલે’ વ્યાપક તારાજી સર્જી છે. કાચા-પાકા મકાનોની છતો જમીનદોસ્ત થવા ઉપરાંત સેંકડો વૃક્ષો ધરાશાયી થયા હતા. કલાકો સુધી એરપોર્ટ બંધ કરી દેવાયા હતા. વિજ પુરવઠો ઠપ્પ થયો હતો. સવારથી મોટાપાયે રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
વાવાઝોડુ રેમલ પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ તથા બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ત્રાટકયુ હતું. 120 કી.મી.ની ઝડપના પવન સાથે રાજયના અનેક ભાગોમાં મુશળધાર વરસાદ ખાબકતા ભારે તારાજી સર્જાઈ હતી.
માલમિલકતને ભારે નુકશાન થયુ હતું. કાચા મકાનોના છાપરા ઉડયા હતા. ઠેકઠેકાણે હોર્ડિંગ બોર્ડ તથા ઈલેકટ્રીક થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા હતા. રાજયના સાગરકાંઠાના ભાગોમાંથી 1 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાયુ હતું. સુંદરવન તથા સાગર આઈલેન્ડમાંથી મોટાપાયે સ્થળાંતર કરાયુ હતુ અને તેઓને સુરક્ષિત સ્થળોએ આશરો આપવામાં આવ્યો હતો.
વાવાઝોડાથી અનેક અસરગ્રસ્ત ભાગોમાં ખંઢેર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સવારથી કાટમાળ ખસોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થળાંતરિત લોકોને ભોજન, પાણી તથા તબીબી સહાયની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કોલકતા એરપોર્ટ 21 કલાક સુધી બંધ રાખવાની અગાઉ જ જાહેરાત કરવામાં આવી હતી. કોલકતાનું શ્યામાપ્રસાદ મુખર્જી બંદર પણ 12 કલાક માટે બંધ કરી દેવાયુ હતું. બંદર વિસ્તારની રેલસેવા પણ રોકી દેવામાં આવી હતી.
પશ્ચિમ બંગાળમાં વાવાઝોડુ ત્રાટકયા પુર્વે વાદળોનો જમાવડો થયો હતો અને પછી મુશળધાર વરસાદની શરૂઆત થઈ હતી. ઝંઝાવાતી પવન પણ ફુંકાયો હતો. સરકાર દ્વારા કંટ્રોલરૂમ ખોલવામાં આવ્યો હતો. માછીમારોને દરિયામાંથી પાછા બોલાવી જ લેવાયા હતા. એનડીઆરએફની 12 ટીમો તૈનાત રાખવા સાથે નૌસેના તથા કોસ્ટગાર્ડને સ્ટેન્ડ-ટુ ની સૂચના સાથે એલર્ટ પર રાખવામાં આવ્યા હતા.