સૌરાષ્ટ્રમાં ‘ચાંદીપુરા’ પ્રવેશ્યો : મોરબી, રાજકોટ, ઝાલાવાડમાં પાંચના મોત

લોગ વિચાર :

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે ચિંતા વધારી દીધી છે અને ગઇકાલે વધુ કેસ સાથે મૃત્યુઆંક 14 ઉ5ર પહોંચી ગયો છે. આ વાયરસે સૌરાષ્ટ્રમાં પણ એન્ટ્રી કરી છે અને રાજકોટ-મોરબી જિલ્લામાં બે-બે તથા સુરેન્દ્રનગર જિલ્લામાં એક બાળ દર્દીનું મૃત્યુ થયાનું જાહેર થતા આરોગ્ય વિભાગમાં દોડાદોડી થઇ પડી છે. તો કુલ કેસનો આંક ર7 ઉપર પહોંચ્યો છે.

રાજયમાં આ સાથે સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર જિલ્લામાં કેસો નોંધાયા છે. જેમાં રાજકોટ જિલ્લામાં પડધરી અને જેતપુરમાં તથા મોરબી જિલ્લામાં ત્રણ, જામનગર બે, સુરેન્દ્રનગરમાં એક કેસ નોંધાયો છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને એક બાદ એક બાળકોના મોતને ભેટી રહ્યાં છે. ચાંદીપુરામાંથી અત્યાર સુધીમાં 27 શંકાસ્પદ કેસ નોંધાયા છે. 27 શંકાસ્પદ કેસમાંથી 14 બાળકોના મોત થયા છે. સૌથી વધુ સાબરકાંઠા અને અરવલ્લીમાં 4-4 કેસ નોંધાયા છે. 27 કેસમાંથી 24 ગુજરાતના છે જ્યારે 3 કેસ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવ્યા છે.

મહત્વનું છે કે, ચાંદીપુરા વાયરસ મોટાભાગે 14 વર્ષથી ઓછી વયના બાળકોમાં જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે. તેમજ આ વાયરસથી સંક્રમિત થયેલ વ્યક્તિને તાત્કાલિક સારવાર મળવી જરૂરી છે. આ વાયરસનો સામનો કરવા માટે હજુ સુધી કોઈ રસી બનાવવામાં આવી નથી. સારવારના અભાવે આ રોગ ખૂબ જ ગંભીર માનવામાં આવે છે. જોકે, આ વાયરસ ચેપી નથી. માખી-મચ્છરના કારણે ચાંદીપુરા વાયરસનો થવાની શક્યતા રહે છે.

રાજ્યના 12 જિલ્લામાં શંકાસ્પદ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં પણ 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે. વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાતના આરોગ્ય મંત્રી આજે વીડિયો કોન્ફરન્સ કરશે. આરોગ્ય અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સમાં સૂચનાઓ આપવામાં આવશે. કેસ વધવાના કિસ્સામાં લોકોને એલર્ટ કરવા પર ચર્ચા થશે.

રાજ્યમાં 8500થી વધુ ઘરો અને 47 હજારથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરાયું છે. રાજ્ય સરકારે તમામ માટે એડવાઈઝરી જાહેર કરી છે. ચાંદીપુરા વાયરસના સમાચાર આવ્યા બાદ આખા દેશમાં હડકંપ મચ્યો છે. દેશની હેલ્થ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 7 બાળકોને ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ કરાયા છે. હાલ આ તમામ બાળકોની સારવાર ચાલી રહી છે. અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહીસાગર અને ખેડામાં શંકાસ્પદ કેસ નોંધાયા છે.

આ સિવાય ગુજરાતમાં રાજસ્થાનના 2 દર્દીઓ અને મધ્યપ્રદેશના 1 દર્દી નોંધાયા છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના વરેઠા ગામે એક વર્ષની બાળકીનુ ચાંદીપુરા વાયરસથી મોત થયું છે.મૃતક બાળક સહિત 6 બાળકોના સેમ્પલ પુના મોકલવામાં આવ્યા છે.

મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ બે કેસ નોંધાયા છે. જેમાં વિજાપુરના ડાભલાના સડકાપુરામાં એક કેસ મળ્યો છે. ખેતરમાં રહેતા પરિવાર ત્રણ વર્ષના બાળકને શંકાસ્પદ ચાંદીપૂરા જણાયો છે. હાલમાં વડનગર હોસ્પિટલ ખાતે બાળક સારવાર હેઠળ છે. બીજી તરફ બાળકના ઘરે અને ગામમાં દવાનો છંટકાવ કરાયો છે. આ સાથે વસઈ આરોગ્ય ખાતાના તાબામાં આવતા તમામ શાળાઓમાં સૂચના અપાઇ છે.

ચાંદીપુરા વાયરસથી બચવાના ઉપાય
► કાચા અને પાકા મકાનની તિરાડો પુરી દેવી જોઈએ
► માખીનો ઉપદ્રવ ન થાય તેવા પ્રયાસ કરો
► બાળકોને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવો
► રાત્રે સુતા સમયે મચ્છરદાનીનો ઉપયોગ કરો
► મેલેથિન પાવડરનો છંટકાવ કરવામાં આવે

ઋષિકેશ પટેલ

બે દિવસ અગાઉ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જનતાને ચાંદીપુરા વાયરલ એનકેફેલાઈટીસથી ગભરાશો નહીં પરંતુ સાવચેતી જરૂરથી રાખો તેવી અપીલ કરી હતી. ચાંદીપુરા રોગ ચેપી નથી. સામાન્ય પણે વરસાદી ઋતુમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે. જે સેન્ડ ફ્લાયના(રેત માંખ) કરડવાથી થાય છે. ખાસ કરીને 9 મહીનાથી 14 વર્ષની ઉંમરના બાળકોમાં જોવા મળે છે.

ચાંદીપુરા વાયરલ એનકેફેલાઈટીસના મુખ્ય લક્ષણોમાં હાઈગ્રેડ તાવ, ઉલ્ટી-ઝાડા, બેભાન થવું, માથાનો દુખાવો અને ખેંચ આવવી વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવા ઋષિકેશ પટેલે અનુરોધ કર્યો છે.

આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આ રોગના દર્દીઓના સેમ્પલ પુના ખાતેની લેબમાં પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જેનું પરિણામ સરેરાશ 12થી 15 દિવસમાં આવશે. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 6 મૃત્યુ રાજ્યમાં નોંધાયા છે, પરંતુ સેમ્પલના પરિણામ આવ્યા બાદ જ ચાંદીપુરા રોગના આ કેસ હતા કે નહીં તેની પૃષ્ટિ થશે.

આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ચાંદીપુરા રોગ ચેપી નથી. પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઇ હતી. સેન્ડફ્લાય કંટ્રોલ માટે કુલ 2093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે. રાજ્ય આરોગ્ય વિભાગ અગમચેતીના ભાગરૂપે આ રોગનો ફેલાવો અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે.