રેશનકાર્ડ ધારકોને મોંઘવારીમાં રાહત : બે લિટર સીંગતેલ આપવામાં આવશે

લોગ વિચાર :

રાજયના રેશન કાર્ડ ધારકોને કારમી મોંઘવારીમાં રાહત મળે તેમ જન્‍માષ્ટમી અને દિવાળીના તહેવારોમાં ડબલ ફિલ્‍ટર્ડ સીંગતેલનું વેચાણ કરવાનો પુરવઠા વિભાગે નિર્ણય લીધો છે. ઓગસ્‍ટ મહિનામાં આવતા તહેવારો માટે અને તે પછી દિવાળીના તહેવારોમાં ૧-૧ લિટર સીંગતેલ આપવામાં આવશે. આ માટે રાજય સરકાર ૧૫૯.૫૯ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.

પુરવઠા વિભાગ દ્વારા રાજયના અંત્‍યોદય, બીપીએલ, એનએફએસએ એપીએલ-૧ અને એનએફએસએ (નેશનલ ફૂડ સિક્‍યોરિટી એક્‍ટ હેઠળના) એપીએલ-૨ કેટેગરીના રેશન કાર્ડ ધારકોને કાર્ડ દીઠ તહેવારો સમયે બે વખત સીંગતેલ એક લિટર દીઠ ૧૦૦ રૂપિયાના ભાવે આપવામાં આવશે. ઓગસ્‍ટ-૨૦૨૪ અને ઓકટોબર-૨૦૨૪ એમ બે માસ દરમિયાન ડબલ ફિલ્‍ટર્ડ તેલનું વિતરણ રેશનિંગ કાર્ડ ધારકોને કરવામાં આવશે. તેનું સમયસર વિતરણ કરવાની જવાબદારી પુરવઠા નિયામક અને નિગમના એમડીની રહેશે.

જો કે તુવેર દાળનું વિતરણ કેટલાક મહિનાથી રેશન કાર્ડ ધારકોને થયું નથી. આગામી મહિનામાં તેનું વિતરણ કરવા નિગમે તૈયારી કરી છે પરંતુ દુકાનદારોને જેટલા કાર્ડ હોય તેના કરતા અડધો જથ્‍થો જ ફાળવવામાં આવશે તેવી વાત બહાર આવતા તમામ કાર્ડ ધારકોને તુવેર દાળ મળવા ઉપર આશંકા ઊભી થઇ છે.

તે ઉપરાંત પુરવઠાની ઝોનલ કચેરીમાં રેશન કાર્ડમાં સામાન્‍ય સુધારા-ફેરફાર જે એક જ દિવસમાં થઇ જવા જોઇએ તેવી ઉપરથી તાકિદ છે. તેમ છતાં પંદર દિવસ જેટલો સમયગાળો કેટલાક કિસ્‍સામાં વ્‍યતીત થઇ જાય છે. તેના કારણે ખાસ કરીને આયુષ્‍યમાન કાર્ડ માટે જે નાગરિકો રેશન કાર્ડમાં જરૂરી સુધારા કરાવતા હોય તેમને મુશ્‍કેલી પડી રહી છે.