લોગ વિચાર :
પશુઓને મોટી રકમમાં વેંચી કતલખાને ધકેલાવાનું મોટું કૌભાંડ જામનગર પંથકમાં ચાલી રહ્યાનું અવારનવાર સામે આવે છે અને રાજકોટની કૃપા ફાઉન્ડેશનની ટીમ પણ ડિટેકટિવની જેમ અબોલ પશુઓના જીવ બચાવવા અનેકવાર પોલીસને સાથે રાખી કતલખાને લઈ જવાતા પશુઓના જીવ બચાવ્યા છે. ત્યારે ગઈ રાતે પણ જામનગર પંથકમાંથી પશુ ભરેલ આઈસર સુરત તરફ કતલખાને લઈ જવાતા હોવાની બાતમીના આધારે કૃપા ફાઉન્ડેશનની ટીમે પોલીસને સાથે રાખી માધાપર ચોકડી પાસેથી પશુ ભરેલ ટ્રક પકડી આઠ અબોલ જીવના જીવ બચાવ્યા હતાં. પોલીસે બે શખ્સોને દબોચી રૂ.6.40 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
બનાવ અંગે રાજકોટમાં રહેતાં અને કૃપા ફાઉન્ડેશનના સદસ્ય ભાવિનભાઈ ઘીયળે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ કૃપા ફાઉન્ડેશનમાં સેવા આપી જીવદયાનું કામ કરે છે. ગઈકાલે રાતે તેઓ અને તેની સાથે ફાઉન્ડેશનમાં કામ કરતાં જ્યેન્દ્રભાઈ સહિતની ટીમને બાતમી મળેલ કે, જામનગર પંથકમાંથી એક આઈસરમાં અબોલ પશુ ભરી સુરત તરફ કતલખાને લઈ જવાય રહ્યા છે. જે બાતમીના આધારે કૃપા ફાઉન્ડેશનની ટીમ જામનગર રોડ પર ઘંટેશ્વર ચોકડી પાસે વોચમાં હતી અને ગાંધીગ્રામ પોલીસને પણ જાણ કરતાં પોલીસનો સ્ટાફ માધાપર ચોકડી પાસે વોચમાં હતો ત્યારે ઘંટેશ્વર ચોકડી પાસે આઈસર પસાર થતાં જીવદયા પ્રેમીઓએ પોલીસને જાણ કરતાં પશુ ભરેલ આઇસરને પોલીસે માધાપર ચોકડી પાસે અટકાવી ટ્રક ચાલક અને તેની સાથે રહેલ ખંભાળિયાના બાબુ નામના શખ્સને નીચે ઉતારી આઇસરમાં તપાસ કરતાં આઠ ભેંસ કોઈપણ જાતના ઘાંસચારા અને પાણીની સુવિધા વગર ભરેલ હોય જેથી બંને શખ્સોની ધરપકડ કરી આઠેય અબોલ જીવને મુક્ત કરાવ્યાં હતાં.પોલીસે આઈસર સહિત રૂ.6.40 લાખનો મુદામાલ કબ્જે કરી જણાવ્યું હતું કે, આરોપીઓ અબોલ જીવને સુરત તરફ કતલખાને લઈ જતાં હતાં. હાલ પોલીસે આઈસર કબ્જે લઈ પશુઓને પાંજરાપોળમાં મુકવા તજવીજ હાથ ધરી હતી.