લોગ વિચાર :
કાશ્મીરમાં છેલ્લા બે માસથી ત્રાસવાદી હુમલામાં વધારા વચ્ચે એલર્ટના આદેશો જારી છે ત્યારે રાજયના અવંતિપોરામાંથી શસ્ત્રોના મોટા જથ્થા સાથે બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ વાસ્તવિક અંકુશરેખાએ શંકાસ્પદ હિલચાલને પગલે સૈન્ય જવાનો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો.
કાશ્મીરમાં એલર્ટ વચ્ચે સઘન સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે અવંતીપોરામાં બે શકમંદોની અટકાયત કરાતા તેમની પાસેથી પિસ્તોલ, મેગેઝીન તથા વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. બન્નેની ધરપકડ કરીને સઘન પુછપરછ કરવામાં આવી રહી છે.
બીજી તરફ અખનૂર અને સુંદરબેની ક્ષેત્રમાં વાસ્તવિસી અંકુશરેખાએ ઘુસણખોરીની શંકાસ્પદ હિલચાલ માલુમ પડતા સૈન્ય જવાનોએ ગોળીબાર કર્યો હતો. મોટાપાયે સર્ચ ઓપરેશન પણ હાથ ધરાયુ છે.
સૈન્ય સૂત્રોએ કહ્યું કે, મોડીરાત્રે દોઢ વાગ્યે જમ્મુના અખનૂર ક્ષેત્રની અંકુશરેખાએ ત્રણ-ચાર લોકોની શંકાસ્પદ હિલચાલ માલુમ પડી હતી. આગના લબકારા હતા. તાબડતોડ ડ્રોન સર્વેલન્સ શરૂ કરાયુ હતું.
ઉપરાંત તેઓ પર ગોળીબાર પણ કરાયા હતા. આ સિવાય સુંદરલેની-નૌસેરા ક્ષેત્રમાં પણ સમાન બનાવ બન્યો હતો. બન્ને ક્ષેત્રોમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. ત્રાસવાદીઓ ઘુસણખોરીમાં સફળ થયા છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી રહી છે.