લોગ વિચાર :
કેન્દ્રમાં સળંગ ત્રીજી ટર્મમાં મોદી સરકારના ગઠન બાદ કાશ્મીરમાં ત્રાસવાદી પ્રવૃતિમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી હોય તેમ મસમોટા ત્રાસવાદી નેટવર્કને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે. પાકિસ્તાનમાંથી આતંકવાદીઓને ઘુસણખોરીમાં મદદ કરતા તથા રહેવા-જમવાની વ્યવસ્થા કરી દેતા નવ સાથીદારોની ધરપકડ કરવામાં આવી છે.
ભારતમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પુર્વે જ અને આઝાદી પર્વના એલર્ટ વચ્ચે નેટવર્કના પર્દાફાશને મહત્વની સફળતા ગણવામાં આવે છે. કાશ્મીરના ત્રાસવાદીઓ પર વળતા પ્રહાર સમી આ સફળતા હોવાનો દાવો કરતા સુરક્ષા એજન્સીના સૂત્રોએ જણાવ્યું કે નેટવર્કમાં સામેલ અને પકડાયેલ નવ શખ્સો ત્રાસવાદીઓને પાકિસ્તાનથી ડોડા, ઉધનપુર કઠુઆની સરહદ પરથી ભારતમાં ઘુસણખોરી કરાવવામાં મદદ કરતા હતા. ઉપરાંત ભારતમાં ઘુસાડી દેવાયા બાદ તેઓના રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરી દેતા હતા.
રાજયના ડોડા જીલ્લામાં ત્રણ વિદેશી ત્રાસવાદીઓના ખાત્મા બાદ કેન્દ્રીય ગુપ્તચર એજન્સીની બાતમીના આધારે આ નેટવર્ક ભેદવામાં આવ્યુ હતું. પકડાયેલા તમામ કઠુઆના રહેવાસી છે અને મોહમ્મદ લતીફ નામનો શખ્સ તેનો સૂત્રધાર હતો.
પાકિસ્તાની આકા-હેન્ડલરોના સંપર્કમાં ચીને સીમા પારથી ત્રાસવાદીઓની સુરક્ષિત ઘુસણખોરી કરાવતા હતા. લતીફ સીમા પારના હેન્ડલરો સાથે સંપર્કમાં હતો. ભારતમાં ઘુસણખોરીનું કામ તે સંભાળતો હતો. ઘુસણખોરી માટે સાંબા-કઠુઆ બોર્ડરનો ઉપયોગ કરતો હતો.
સુરક્ષા એજન્સીના દાવા પ્રમાણે સૈન્યએ ગત મહિને ત્રણ વિદેશી ત્રાસવાદીને ઠાર કર્યા હતા તેમને પણ આ નેટવર્ક મારફત જ ભારતમાં ઘુસાડવામાં આવ્યા હતા. પર્વતીય ભાગોમાં કામચલાઉ રહેણાંક બાંધીને વસવાટ કરતા લોકોના બ્હાને ત્રાસવાદીઓ માટે ખાવા-પીવા-રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવતી હતી. જો કે, સુરક્ષાતંત્ર દ્વારા સ્થાનિક નાગરિકોની નિયમિત તપાસ થતી જ રહે છે. અમુક નાણાંની લાલચમાં ત્રાસવાદીઓ વિશે બાતમી ટાળે છે.
કાશ્મીરમાં છેલ્લા બે મહિનાથી ત્રાસવાદી હુમલાઓ વધી જ ગયા છે. બે દિવસ પુર્વે બે જવાનો શહીદ થયા હતા. ગત મહિને મોટા હુમલામાં આર્મી કેપ્ટન સહિત નવ જવાનો શહીદ થયા હતા. આ સિવાય જુનમાં કઠુઆમાં બે જુદા-જુદા એનકાઉન્ટરમાં પાંચ ત્રાસવાદીઓનો ખાત્મો કરાયો હતો.
સૂત્રોએ કહ્યું કે, ત્રાસવાદીઓની ડોડા, ઉધમપુર તથા કઠુઆના ઉંચાઈવાળા ભાગોમાં હિલચાલ છે અને તેઓને ચોતરફથી ઘેરીને ખાત્મો કરવા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ભારતમાં આઝાદી પર્વે ત્રાસવાદી ષડયંત્રનું એલર્ટ આપવામાં આવ્યુ જ છે તે પુર્વે મોટુ નેટવર્ક ધ્વસ્ત કરી સુરક્ષાતંત્રે મોટી સફળતા મેળવી છે.