આવતીકાલે સ્વતંત્રતા દિવસ પર દિલ્હીમાં 'ફિદાયીન' હુમલા માટે હાઈ એલર્ટ

લોગ વિચાર :

આવતીકાલે 15 ઓગષ્ટે ભારતના સ્વતંત્રતા દિવસે આતંકવાદીઓ ગરબડ કરવાનો પ્રયત્ન કરશે તેવી ગુપ્તચર બાતમીના આધારે પાટનગર દિલ્હીમાં સુરક્ષા એલર્ટ આપવામાં આવ્યું છે. સમગ્ર પાટનગરને સુરક્ષા કિલ્લેબંધી કરવામાં આવી છે. કોઈપણ ત્રાસવાદી ષડયંત્રને નાકામ કરવા જમીનથી માંડીને આસમાનથી નજર રાખવામાં આવશે.

ગુપ્તચર વિભાગ દ્વારા એવો રિપોર્ટ આપવામાં આવ્યો છે કે કેટલાંક દિવસોથી જમ્મુમાં એકટીવ ત્રાસવાદીઓ સ્વતંત્રતા દિને દિલ્હી અથવા પંજાબમાં ફીદાયીન હુમલાનો પ્રયાસ કરી શકે છે. આ બાતમીને પગલે હાઈએલર્ટના આદેશો જારી કરવામાં આવ્યા છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કાલના આઝાદી પર્વે લોખંડી સુરક્ષા રહેતી હોવાથી એકાદ-બે દિવસ પછી પણ ત્રાસવાદીઓ ફિદાયીન હુમલો કરી શકે છે. શસ્ત્રોથી સજજ બે ત્રાસવાદીઓની મુવમેન્ટ કાશ્મીરના કઠુઆના સરહદી ક્ષેત્રોમાં મળી હતી જેઓ પઠાણકોટ તરફ આગળ વધ્યા હોવાની શંકા નકારાતી નથી.

1લી જુને વિસ્ફોટકો સાથેનું એક ક્ધસાઈનમેન્ટ જમ્મુ પહોંચાડવામાં આવ્યાની બાતમી છે તેનો ઉપયોગ આવતા દિવસોમાં સુરક્ષા સંસ્થાનો, સુરક્ષા કેસો અથવા મહત્વપૂર્ણ જાહેર સ્થાનોને નિશાન બનાવવામાં થઈ શકે છે. પાક ગુપ્તચર એજન્સી આઈએસઆઈની મદદથી આતંકવાદીઓ તથા ગેંગસ્ટરોએ સાંઠગાંઠ રહી છે.

કાશ્મીર તથા તેના સરહદી પંજાબના ક્ષેત્રોમાં સક્રીય છે. ભારતના આઝાદી પર્વ તથા પવિત્ર અમરનાથ યાત્રામાં અવરોધ સર્જાવાનો પ્રયાસ કરી શકે છે. 15મી ઓગષ્ટે મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં સામેલ થતા હોવાના કારણોસર વિસ્ફોટકોથી નિશાન બનાવી શકે છે.

કાશ્મીરના ડોડા, કઠુઆ, ઉધમપુર, રાજૌરી તથા પૂંછમાં તાજેતરના ત્રાસવાદી હુમલાથી એવા નિષ્કર્ષ છે કે સશસ્ત્ર ત્રાદવાદીઓ જમ્મુ ક્ષેત્રમાં એકટીવ છે. મહાનુભાવો, મહત્વના સ્થળો-સ્મારકો તથા મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય તેવા સ્થાનો નિશાન બનાવવાનું ત્રાસવાદી સંગઠનોનું ષડયંત્ર હોઈ શકે છે. લશ્કર-એ-તોઈબા તથા જૈશ-એ-મોહમ્મદના ટારગેટ પર દિલ્હી હોવાનુ અગાઉના ગુપ્તચર રીપોર્ટમાં પણ સુચવાયુ હતું.

ગુપ્તચર બાતમીને પગલે દિલ્હીમાં આવતીકાલના મુખ્ય કાર્યક્રમ ઉપરાંત રાષ્ટ્રપતિના ‘એટ હોમ’ કાર્યક્રમમાં સુરક્ષા બંદોબસ્ત વધારવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમોમાં વડાપ્રધાનથી માંડીને મહાનુભાવો ખુલ્લી જગ્યામાં ઉપસ્થિત રહેતા હોય છે. મોટી સંખ્યામાં લોકો પણ હોય છે એટલે રાષ્ટ્રવિરોધી તત્વો ષડયંત્ર રચી શકે છે. જો કે, સમગ્ર પાટનગરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આકાશમાંથી પણ સુરક્ષા વોચ રાખવામાં આવશે.