લોગ વિચાર :
અકોલાના નિવૃત્ત પોલીસ-અધિકારી સુભાષ પાટીલનાં પત્નીએ તેમના ઘરની બહારથી લારીવાળા પાસેથી ખરીદેલું લસણ સિમેન્ટમાંથી બનાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ અધિકારીનાં પત્નીએ રસોઈ બનાવતી વખતે લસણમાંથી કળીઓ કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે કળીઓ અલગ નહોતી થઈ. આથી ચાકુથી લસણને કાપ્યું તો ખ્યાલ આવ્યો કે આ લસણ સિમેન્ટમાંથી બનાવવામાં આવ્યું છે. લસણનો ગોટો સિમેન્ટથી બનાવીને એના પર સિલ્વર કલર કરવામાં આવ્યો હતો એટલે એ અસ્સલ લસણ જેવું જ દેખાતું હતું. છેલ્લા કેટલાક સમયમાં લસણના ભાવમાં વધારો થવાથી કેટલાક લોકો સિમેન્ટનું નકલી લસણ વેચી રહ્યા છે. ૩૦૦ રૂપિયાથી ૩૫૦ રૂપિયે કિલોના ભાવથી સિમેન્ટનું લસણ વેચવામાં આવી રહ્યું છે. નકલી લસણ વેચવા બદલ કેટલાક લારીવાળાઓ અને ફેરિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.