દિવાળીમાં હવાઈ મુસાફરી મોંઘી : ભાડામાં 25% સુધીનો વધારો

લોગ વિચાર :

તહેવારોની સીઝનમાં દર વર્ષે વિમાન ભાડામાં ઉછાળો થાય છે અને આ વર્ષ પણ બાકાત નથી. દિવાળી માટે ડોમેસ્‍ટિક એરલાઇન્‍સની વન-વે ટિકિટનું સરેરાશ ભાડું ૧૦-૧૫ ટકા વધી ગયું છે. ઉપરાંત, ઓણમના તહેવારની આસપાસના દિવસો માટે કેરળના શહેરોની ફ્‌લાઇટ્‍સના ભાડામાં તો ૨૦-૨૫ ટકાનો ઉછાળો નોંધાયો છે.

ટ્રાવેલ પોર્ટલ ઇઝીગોના વિશ્‍લેષણ અનુસાર ૩૦ ઓક્‍ટોબરથી ૫ નવેમ્‍બરના ગાળા માટે દિલ્‍હી-ચેન્નાઇની નોન-સ્‍ટોપ ફ્‌લાઇટની ઇકોનોમી ક્‍લાસની વન-વે એર ટિકિટનો ભાવ ૨૫ ટકા વધીને રૂ.૭,૧૮ થયો છે. ભાવની સરખામણી ગયા વર્ષે ૧૦-૧૬ નવેમ્‍બરના ગાળાની ટિકિટ સાથે કરવામાં આવી છે. સૂચિત ગાળામાં મુંબઈ-હૈદરાબાદની ટિકિટનો ભાવ ૨૧ ટકા વધીને રૂ.૫,૧૬૨ થયો છે. જ્‍યારે દિલ્‍હી-ગોવા અને દિલ્‍હી-અમદાવાદનું હવાઇ ભાડું ૧૯ ટકા વધીને અનુક્રમે રૂ.૫,૯૯૯ અને રૂ.૪,૯૩૦ નોંધાયું છે. અન્‍ય કેટલાક રુટ્‍સ પર એર ટિકિટનો ભાવ ૧-૧૬ ટકાની રેન્‍જમાં વધ્‍યો છે.

ઇક્‍સિગો ગ્રૂપના કો-સીઇઓ રજનીશ કુમારે જણાવ્‍યું હતું કે, દિવાળીના ગાળા માટેની ટ્રાવેલ માંગ વધવાને કારણે ગયા વર્ષની તુલનામાં હવાઇ ભાડા વધ્‍યા છે. દિલ્‍હી-ચેન્નાઇ, મુંબઇ-બેંગલુરુ અને દિલ્‍હી-હૈદરાબાદ જેવા લોકપ્રિય રુટ્‍સ પરનું વન-વે ભાડું સરેરાશ રૂ.૪,૦૦૦-૫,૦૦૦ની રેન્‍જમાં છે. તે અગાઉના વર્ષના સમાન ગાળાની તુલનામાં ૧૦-૧૫ ટકાની વળદ્ધિ દર્શાવે છે. સૂચિત ગાળામાં અમુક રુટ્‍સ પર એર ટિકિટનો ભાવ ૧-૨૭ ટકાની રેન્‍જમાં ઘટયો છે. મુંબઇ-અમદાવાદ ફ્‌લાઇટની ટિકિટનો ભાવ ૨૭ ટકા ઘટીને રૂ.૨,૫૦૮ થયો છે. જ્‍યારે મુંબઇ-ઉદયપુર ફ્‌લાઇટની એર ટિકિટ ૨૫ ટકાના ઘટાડા સાથે રૂ.૪,૮૯૦માં મળી રહી છે. બેંગલુરુ-હૈદરાબાદ ફ્‌લાઇટનું હવાઇ ભાડું ૨૩ ટકા ઘટીને રૂ.૩,૩૮૩ થયું છે. જ્‍યારે મુંબઈ-જમ્‍મુ રુટની એર ટિકિટનો ભાવ ૨૧ ટકાના ઘટાડા સાથે રૂ.૭,૮૨૬માં ઉપલબ્‍ધ છે.

કેરલમાં પણ આગામી સમયમાં તહેવારોની સીઝન શરૂ થાય છે. ઓણમ તેમનો બહુ મોટો તહેવાર છે. તેને લીધે અમુક રુટ્‍સ પર હવાઇ ભાડું ૧-૨૫ ટકાની રેન્‍જમાં વધ્‍યું છે. જોકે, કેટલાક રુટ્‍સ પર એર ટિકિટનો ભાવ ૬-૩૫ ટકાની રેન્‍જમાં ઘટયો છે. હવાઇ ભાડાનો ભાવ વન-વે નોન-સ્‍ટોપ ફ્‌લાઇટનો ૬-૧૫ સપ્‍ટેમ્‍બરના ગાળાનો છે. તેની તુલનામાં ગયા વર્ષના ઓણમના ગાળા ૨૦-૨૯ ઓગસ્‍ટ સાથે કરવામાં આવી છે. સૂચિત ગાળામાં હૈદરાબાદ-થિરુવનંતપુરમ ફ્‌લાઇટનું હવાઇ ભાડું ૩૦ ટકા વધીને રૂ.૪,૧૦૨ થયું છે. મુંબઇ-કાલિકટની એર ટિકિટનો ભાવ પણ ૩૦ ટકા વધીને રૂ.૪,૪૪૮ના સ્‍તરે પહોંચ્‍યો છે. રજનીશ કુમારે જણાવ્‍યું હતું કે, ચાલુ વર્ષે ઓણમના તહેવારોમાં હવાઇ મુસાફરીની માંગ વધી છે. સપ્‍ટેમ્‍બરના બીજા સપ્તાહમાં ગયા વર્ષની તુલનામાં કેરલ માટેના ટ્રાવેલ સર્ચ અને ફ્‌લાઇટ બુકિંગ બમણા થયા છે. કોચીન, કાલિકટ અને થિરુવનંતપુરમ જેવા અગ્રણી શહેરોનું સરેરાશ હવાઇ ભાડું અગાઉના વર્ષની તુલનામાં ૨૦-૨૫ ટકા ઊછળ્‍યું છે. ઉલ્લેખનીય છે કે, તહેવારોની સીઝનમાં ઊંચા હવાઇ ભાડા અંગે સતત ચિંતા વ્‍યક્‍ત કરાઈ છે. જોકે, એર ટિકિટના ભાવને નિયંત્રિત કરવા માટે સરકાર હજુ કોઈ ઉકેલ શોધી શકી નથી.

નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ ચાલુ મહિને લોકસભામાં જણાવ્‍યું હતું કે, ‘પેસેન્‍જર્સને હવાઇ ભાડામાં બિનજરૂરી વળદ્ધિનો સામનો ન કરવો પડે એ માટે મંત્રાલય ફરિયાદોના નિવારણની ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવાની યોજના ધરાવે છે.' હાલના નિયમ અનુસાર માર્ચ ૧૯૯૪માં એર કોર્પોરેશન એક્‍ટ રદ કરાયા પછી કેન્‍દ્ર સરકાર હવાઇ ભાડા નક્કી કરી શકતી નથી કે તેનું નિયમન પણ થઈ શકતું નથી. ગયા મહિને મંત્રાલયે રાજ્‍ય સભામાં જણાવ્‍યું હતું કે, એરલાઇન્‍સને એર ટિકિટના ભાવમાં ઘટાડો કરવા માટે સ્‍વનિયમનની સલાહ આપવામાં આવી છે.

ભારતના જુદાજુદા શહેરોમાંથી વિદેશી પર્યટન સ્‍થળોની એર ટિકિટના ભાવમાં પણ વધારો નોંધાયો છે. જેમકે, ભારતના જુદાજુદા શહેરોમાંથી વિયેટનામ, અઝરબૈજાન અને જ્‍યોર્જિયાની એર ટિકિટનો ભાવ ૬-૨૬ ટકાની રેન્‍જમાં વધ્‍યો છે. ટ્રાવેલ કંપની થોમસ કૂકના જણાવ્‍યા અનુસાર હવાઇ ભાડામાં વળદ્ધિ છતાં હવાઇ મુસાફરીની માંગ પ્રોત્‍સાહક રહી છે. થોમસ કૂક (ઇન્‍ડિયા) અને એસઓટીસી ટ્રાવેલના પ્રેસિડેન્‍ટ અને ગ્રૂપ હેડ (ગ્‍લોબલ બિઝનેસ ટ્રાવેલ) ઇન્‍દિવર રસ્‍તોગીએ જણાવ્‍યું હતું કે, ‘પસંદગીના અને નજીકના સ્‍થળોએ જવામાં ભારતીયોનું આકર્ષણ વધી રહ્યું છે. ઓગસ્‍ટમાં રજાઓ, દિવાળી સહિત તહેવારોની આગામી સિઝનમાં શિમલા, લેહ-લદાખ, ગોવા, અંદામાન, કૂર્ગ,  જયપુર જેવા સ્‍થળોની માંગમાં વધારો થયો છે.'

તાજેતરના એક સર્વેમાં માલૂમ પડ્‍યું છે કે ગ્રાહકો વિમાન ભાડાં સર્ચ કરતા હોય તે દરમિયાન ભાડાં વધી જતા હોવાનું જોવા મળ્‍યું છે. સર્વેમાં જેમનો મત લેવાયો તે પૈકી ૭૨ ટકાએ આવો અનુભવ થયો હોવાનું કહ્યું હતું. તે દર્શાવે છે કે એરલાઈન્‍સ ડાયનેમિક પ્રાઈસિંગ ટેક્‍ટિક અપનાવી રહી છે. મતલબ કે જે રૂટ પર ટ્રાફિક વધારે જોવા મળે તેમાં ભાડું વધારી દેવાય છે. સર્વે મુજબ સિંગલ સેશનમાં જ મલ્‍ટિપલ સર્ચ દરમિયાન વિમાન ભાડાંમાં વધારો જોવા મળ્‍યો હતો. એરલાઈન્‍સ માંગ અને ઓપરેશનલ ખર્ચના કારણો આપે છે. ઘણાં ગ્રાહકોને એવો અનુભવ થયો છે કે એક જ ડિવાઈસ પર મલ્‍ટિપલ સર્ચમાં ભાડું વધી જાય છે, પણ જો બીજી ડિવાઈસ કે બ્રાઉઝરથી સર્ચ કરે તો ભાડું ઘટી જાય છે. તેને કારણે એરલાઈન્‍સની પારદર્શકતા અંગે પણ પ્રશ્‍ન થાય છે તેવું આ સર્વેનું તારણ છે.