લોગવિચાર :
રાજકોટના 27 લોકોનો ભોગ લેનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પડઘા હજુ શાંત થયા નથી ત્યારે રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં યોજાનારા વિખ્યાત જન્માષ્ટમી લોકમેળા માટે ખાસ સુરક્ષા કવચ પુરૂ પાડવામાં આવનાર છે.નાગરીકોની સુવિધા મામલે કોઈ ચાન્સ નહી લેવાનો સરકારનો વ્યુહ છે.
રાજકોટમાં યોજાતો લોકમેળો સમગ્ર ગુજરાતમાં વિખ્યાત છે અને રાજયભરમાંથી લોકો મેળો મહાલવા આવે છે ત્યારે 41 વર્ષનાં ઈતિહાસમાં પ્રથમ વખત એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ-ટુ-રાખવા માટે માંગણી કરવામાં આવી છે.
સામાન્ય રીતે કુદરતી આફતો સમયે જ આ બન્ને એજન્સીઓની મદદ લેવામાં આવતી હોય છે.પરંતુ અગ્નિકાંડની ઘટના પછી તંત્ર કોઈ ચાન્સ લેવા માંગતુ ન હોય તેમ 24મીથી શરૂ થતા લોકમેળામાં પાંચેય દિવસ બન્ને એજન્સીને સ્ટેન્ડબાય રહેવા માટે તંત્ર દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે.
રાજકોટનાં પાંચ દિવસના લોકમેળામાં દર વર્ષે 10 થી 12 લાખ લોકો ઉમટતા હોય છે. 1983 સુધી લોકમેળાનું સંચાલન સંસ્થા હસ્તક હતું તે પછી સરકારી તંત્ર હસ્તક લઈ લેવામાં આવ્યું હતું.
રાજકોટના જીલ્લા કલેકટર પ્રભવ જોશીએ કહ્યું કે, લોકમેળા દરમ્યાન કોઈ આફત જેવી દુર્ઘટના સર્જાવાના સંજોગોમાં સુરક્ષા બચાવ ક્ષેત્રની નિષ્ણાંત ટીમો મૌજુદ રહે તેવા આશયથી દરખાસ્ત કરવામાં આવી છે. લોકમેળાના પાંચેય દિવસ એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમોને તૈનાત રાખવા માટે રાજય સરકારને માંગ કરવામાં આવી છે.
રાજકોટમાં ગત 25 મેના રોજ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ સર્જાયો હતો 27 લોકો ભડથુ થઈ ગયા હતા. આ બનાવ બાદ કોર્પોરેશન તંત્રની બેદરકારી તથા ભ્રષ્ટાચારનો ખુલાસો થયો હતો. નિયમો-કાયદાઓનું પાલન કરાવાયું ન હતું.
આ ઘટનાએ જબરો આક્રોશ સર્જયો હતો આ પ્રકારની કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સૌરાષ્ટ્રભરનાં ભાતીગળ લોકમેળાઓમાં સુરક્ષા મુદ્દે કોઈ બાંધછોડ નહી કરવાની રણનીતિ હોવાનું મનાય છે.
રાજકોટનાં લોકમેળા પૂર્વે ક્રાઉડ મેનેજમેન્ટ વિશે પણ ખાસ તાલીમ વર્કશોપ યોજાયો હતો તે પણ પ્રથમ વખત થયો હતો.પોલીસ ફાયરબ્રિગેડ આરોગ્ય નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં નિષ્ણાંતો દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
કોઈ દુર્ઘટના સર્જાય તો બચાવ ઓપરેશન વિશે તાલીમ આપવામાં આવી હતી ઉપરાંત જંગી ભીડને નિયંત્રીત કરવા પડકાર તથા આગમચેતી જેવા મુદાઓને આવરી લેવામાં આવ્યા હતા.
લોકમેળામાં ચાલુ વર્ષે રાઈડઝ તથા સ્ટોલની સંખ્યામાં કાપ મુકાયો જ છે. જંગી ભીડ વચ્ચે કયારેય નાસભાગની સ્થિતિ સર્જાય તો સ્થિતિને ક્ધટ્રોલ કરવા પર્યટન જગ્યા મળી રહે તેવો ઉદેશ છે. રમકડાના સ્ટોલની સંખ્યા 108 થી ઘટાડીને 120 કરવામાં આવી છે. મેળામાં રસ્તા 78 ફૂટને બદલે 90 ફૂટના કરાયા છે. રાઈડસની સંખ્યા પણ 44 ને બદલે 31 કરવામાં આવી હોવાનું ઉલ્લેખનીય છે.
લોકમેળામાં તમામ સ્ટોલ રાઈડઝમાં ફાયર સેફટીનાં સાધનો ફરજીયાત કરાયા છે તેના ઉપયોગની તાલીમ પણ લેવા કહેવાયું છે. ખાણીપીણીના સ્ટોલની સંખ્યામાં પણ 30 ટકાનો કાપ મુકાયો છે.