લોગવિચાર :
અમદાવાદના લોયડ જોસેફ રોજરિયો નામના ભેજાબાજે રાજકોટ અને સૌરાષ્ટ્રના 9 વિદ્યાર્થી પાસેથી અઢી-અઢી લાખ કુલ રૂ.22.50 લાખની રકમ છેતરપિંડી કરીને ભાગી ગયાની પોલીસમાં છાત્રોએ અરજી કરી છે. થોડા સમય પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોઈ સેમિનાર કરવાના બહાને ભેજાબાજ અંગ્રેજી ભવનના પ્રોફેસર રવિ ઝાલાનો પરિચિત બન્યો હતો. બાદમાં પ્રોફેસર રવિ ઝાલાની ભલામણથી 9 વિદ્યાર્થીએ ઓસ્ટ્રેલિયામાં વર્ક વિઝા માટે અઢી-અઢી લાખની રકમ ચેકથી આપી હતી.
બાદમાં એજન્ટ બધાના પૈસા લઈ ભાગી ગયો હતો. વિદ્યાર્થીઓએ અમદાવાદના તેના નિવાસ સ્થાને તપાસ કરતા ત્યાં કોઈ રહેતું નહીં હોવાનું ખુલ્યું હતું. તેથી આ વ્યક્તિએ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી હોવાની ઉના અને રાજકોટ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.
ઉનાના ખાપટ ગામના પ્રકાશભાઈ ગોવિંદભાઈ ઝાલા, મયૂરભાઈ કાળુભાઈ ચૌહાણ, માનસિંગભાઈ બચુભાઈ ચૌહાણ અને જયરાજ સુનિલભાઈ ઝણકાટે ઉના પોલીસમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, તેઓ ચારેય રવેસિંગભાઈ બાલુભાઈ ઝાલાના માધ્યમથી લોયડ જોસેફ રોજારિયો નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા.
લોયડ દ્વારા અમને સ્કીમ બતાવવામાં આવી હતી કે, જો તમે ખેડૂત ખાતેદાર હોય તો ઓસ્ટ્રેલિયામાં ફૂડ પેકિંગની જોબ કરી નાણાં કમાવવાની ઊજળી તક ઊભી થઈ છે. આ સ્કીમ પસંદ પડતા અમે રસ દાખવ્યો. તારીખ 4/6/2022ના એગ્રીમેન્ટ મુજબ અમદાવાદના બોડકદેવ, વેસ્ટર્ન પાર્કમાં રહેતા લોયડ જોસેફે પોતાના સંપર્કથી ઓસ્ટ્રેલિયામાં ફૂડ પેકર તરીકેની જોબ અપાવશે તેવી બાંહેધરી આપી હતી.
તેના બેંક ખાતામાં અમે ચારેય વ્યક્તિએ અઢી-અઢી લાખ એમ કુલ 10 લાખ જમા કરાવ્યા હતા. વ્યક્તિ દીઠ અઢી લાખ રૂપિયા પરત કરવાની સમય મર્યાદા એગ્રીમેન્ટની શરત મુજબ 14 મહિના હતી જે પૂરી થઇ ગઈ. તેનો નંબર બંધ આવે છે.
એવી જ રીતે રાજકોટના પાંચ વિદ્યાર્થી રવિ સોલંકી, ભાવેશ રાજાણી, શૈલેન્દ્રસિંહ ઝાલા, જયદીપ સંઘાણી અને અજય ગોધાણીએ પણ અંગ્રેજી ભવનના પ્રોફેસર રવિ ઝાલાના કહેવાથી લોયડ જોસેફ રોજારિયો નામના ભેજાબાજને ઓસ્ટ્રેલિયામાં વર્ક વિઝા માટે અઢી-અઢી લાખ મળી કુલ 12.50 લાખ આપ્યા હતા, પરંતુ તેણે છેતરપિંડી કરી હોવાની પોલીસમાં અરજી કરી છે
. આ વિદેશી ભેજાબાજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવન અને શૈક્ષિક સંઘ સાથે જોડાયેલા પ્રોફેસરની મદદથી વિદેશ જવા માગતા વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. લોયડ હવે ફોન ઉઠાવતો નથી. અમદાવાદના તેના સરનામે કોઈ રહેતું નથી અને શૈક્ષિક સંઘના આ પ્રોફેસરે પણ હાથ ઊંચા કરી દેતા 09 જેટલા વિદ્યાર્થીએ 22.50 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. હાલ યુનિવર્સિટી પોલીસ પણ તપાસમાં જોડાઈ છે.