બ્રિટિશ વૈજ્ઞાનિકે ચેતવણી આપી છે કે તે ફરીથી આવશે
લોગ વિચાર :
કોરોના બાદ દુનિયામાં વધુ એક રોગચાળો આવવાની તૈયારીમાં છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોએ આ અંગે ચેતવણી જાહેર કરી છે. વૈજ્ઞાનિકે કહ્યું છે કે આવનારી સરકારે આ તરફ ધ્યાન આપવું જોઈએ. વૈજ્ઞાનિકે એમ પણ કહ્યું કે વિશ્વ હજુ આ પ્રકારની મહામારીનો સામનો કરવા માટે તૈયાર નથી. તેના માટે હવેથી તૈયારી શરૂ કરવી વધુ સારૂં રહેશે. આ માહિતી બ્રિટિશ મીડિયામાં પ્રકાશિત કરવામાં આવી છે.
બ્રિટિશ વૈજ્ઞાનિક પેટ્રિક વેલેન્સે એક કાર્યક્રમમાં આ મહામારીને લઈને સાવધાન રહેવાની ચેતવણી આપી છે. પેટ્રિક વેલેન્સ બ્રિટિશ સરકારના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર રહી ચૂક્યા છે. તેમના મતે, આપણે કોરોના જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવાની જરૂર છે. બ્રિટિશ વેબસાઈટ ‘ધ ગાર્ડિયન'માં છપાયેલા અહેવાલ અનુસાર, પેટ્રિકે કહ્યું છે કે જે રીતે દવાઓ, રસી અને સારવારના કારણે કોરોનાને રોકવું શક્ય હતું, તેવી જ રીતે આવનારી મહામારીનો સામનો કરવા માટે પણ તૈયારીઓ કરવી પડશે. તેમણે કહ્યું કે આપણે જોખમોને વહેલી તકે શોધી કાઢવા માટે વધુ સારી દેખરેખ પદ્ધતિ સ્થાપિત કરવાની જરૂર છે. પેટ્રિક વેલેન્સ કોરોના દરમિયાન કડક પગલાં લેવા માટે જાણીતા છે. તેઓ ૨૦૧૮ થી ૨૦૨૩ સુધી બ્રિટનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર રહ્યા છે. તેમણે બ્રિટિશ સરકારને કોરોનાના સમયગાળા દરમિયાન કોરોના સામે નીતિઓ બનાવવામાં મદદ કરી હતી.
પેટ્રિક વેલેન્સે કહ્યું કે તેમણે ૨૦૨૧માં G7 દેશોના નેતાઓની બેઠકમાં કહ્યું હતું કે મહામારી સામે એક થવાની જરૂર છે. આ માટે આપણે ઝડપી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, ઝડપી રસી અને ઝડપી સારવાર કરવી પડશે જેથી ખતરો ઓછો કરી શકાય. વેલેન્સે ખેદ વ્યક્ત કર્યો કે ૨૦૨૩ સુધીમાં G7 તેમની સલાહ ભૂલી ગયું હતું. તેમણે કહ્યું કે આને ભૂલી શકાય તેમ નથી. આ રોગચાળાનો સામનો યુદ્ધની જેમ થવો જોઈએ અને તેનો સામનો કરવાની હંમેશા તૈયારી રાખવી જોઈએ. પેટ્રિકે કહ્યું કે રોગચાળાના આ મુદ્દાને ભૂલવો જોઈએ નહીં. જો આ મુદ્દાને G7 અને G20 ના એજન્ડામાંથી દૂર કરવામાં આવે છે, તો આપણે તે જ સ્થિતિમાં આવી જઈશું જયાં આ રોગચાળાનો સામનો કરવો મુશ્કેલ બનશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન આગામી મહામારી માટે ટૂંક સમયમાં એક બેઠક યોજવા જઈ રહ્યું છે. આ બેઠકનો મુખ્ય એજન્ડા રોગચાળા સંબંધિત સંધિ પર હસ્તાક્ષર કરવાનો છે. જો કે તેનો ડ્રાફટ હજુ તૈયાર થયો નથી. આવી સ્થિતિમાં, એવું લાગે છે કે આ બેઠક થવાની શક્યતા ઓછી છે. જો આ બેઠક નહીં થાય, તો રોગચાળાને ટાળવા માટે જે એકતા બતાવવાની જરૂર છે તે પાછી સેટ થઈ શકે છે.