લોગવિચાર :
આંતર રાષ્ટ્રીય ક્રુડ તેલમાં નવેસરથી મંદી વચ્ચે ભાવ જાન્યુઆરી પછી સૌથી નીચે સ્તરે આવી ગયા છે ત્યારે ભારતમાં વધુ એક વખત પેટ્રોલ-ડીઝલમાં ભાવ ઘટાડો થવાની અટકળો શરૂ થઈ છે મહારાષ્ટ્ર, હરીયાણા, સહીત ચાર રાજયોની ચૂંટણી પૂર્વે સરકાર રાહત જાહેર કરી શકે છે.
ભારતને ક્રુડ તેલની પડતર રૂા.73.6 ડોલરની થઈ છે અને આ કિંમત ચાલૂ વર્ષનાં સૌથી નીચલા સ્તરે છે. લીબીયાનો માલ ફરી બજારમાં આવવા લાગતા ઓપેક રાષ્ટ્રોએ ઓકટોબરથી સ્વૈચ્છીક ઉત્પાદન કાપનો નિર્ણય પાછો ખેંચવાનું જાહેર કરતા અને અન્ય ક્ષેત્રોમાથી ઉત્પાદન વધારાને પગલે ક્રુડતેલમાં દબાણ સર્જાયુ છે.
ક્રુડતેલમાં જાન્યુઆરી મહિનાથી સતત ઘટાડાને પગલે ભારતીય પેટ્રોલીયમ કંપનીઓનું નફામાર્જીન સતત વધી રહ્યું છે. દેશમાં 90 ટકા સપ્લાય સરકારી તેલ કંપનીઓની છે. નફા માર્જીનમાં વધારાને પગલે સરકાર ચૂંટણી સીઝનમાં લોકોને પેટ્રોલ-ડિઝલમાં રાહત આપવાનો નિર્ણય લઈ શકે છે.
આ પૂર્વે લોકસભા ચૂંટણી પૂર્વે પેટ્રોલ-ડીઝલમાં 2-2 રૂપિયાનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો હતો. મે-2022 પછી તે પ્રથમ ઘટાડો હતો.આ ઘટાડા પછી પણ પેટ્રોલીયમ કંપનીઓનો પ્રતિ લીટર નફો બે રૂપિયાથી અધિકનો અંદાજવામાં આવતો હતો. વૈશ્વિક સ્તરે ક્રુડના ભાવ વધુ ઘટયા છે. જયારે માર્જીનમાં વધુ વધારો થયો હોવાનું સ્પષ્ટ છે.
નિષ્ણાંતો જોકે, ટુંકા ગાળામાં ક્રુડ તેલમાં અનિયમીત વધઘટ રહેવાની આશંકા દર્શાવી રહ્યા છે. ગોલ્ડમેન સૈકસ દ્વારા ક્રુડ 70 થી 85 ડોલરની રેન્જમાં રહેવાની આગાહી કરવામાં આવી છે.આ સંજોગોમાં ભારત સરકાર ભાવ ઘટાડો કરવા તૈયાર થશે કે કેમ તે સવાલ છે.
વર્તમાન નીચાભાવ લાંબો વખત ન રહે અને ફરી 85 ડોલર આસપાસ પહોંચી જાય તો પણ પેટ્રોલીયમ કંપનીઓને ભાવ સ્થિર રાખવામાં કોઈ વાંધો આવે તેમ નથી.