લોગવિચાર :
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે કહ્યું હતું કે, સરકાર દેશને અદ્યતન હવાઈ પરિવહન માટે તૈયાર કરી રહી છે અને હવાઈ ટેક્સીઓ ટૂંક સમયમાં વાસ્તવિકતા બનશે.
ભારતીય નાગરિક ઉડ્ડયન ક્ષેત્રનાં વિકાસ પર પ્રકાશ પાડતાં તેમણે કહ્યું કે, પ્રાદેશિક હવાઈ જોડાણ યોજના સાથે હવાઈ મુસાફરી સમાવેશી બની છે. વડાપ્રધાને કહ્યું કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની વિકાસમાં ભૂમિકા છે અને તે ઘણી નોકરીઓનું સર્જન પણ કરે છે. માટે પ્રયત્નો કરવા જોઈએ કે આકાશ દરેક માટે ખુલ્લું રહે અને લોકોનું ઉડવાનું સપનું સાકાર થઈ શકે.
પ્રધાનમંત્રી રાજધાનીમાં નાગરિક ઉડ્ડયન પર બીજી એશિયા પેસિફિક મંત્રી સ્તરીય પરિષદને સંબોધિત કરી રહ્યાં હતાં. આમાં તેમણે આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સર્કિટ બનાવવાનું પણ સૂચન કર્યું હતું.
આ સાથે તેમણે કહ્યું કે, મધ્યમ વર્ગના લોકોને ઉડ્ડયનની સુવિધા આપતી પ્રાદેશિક હવાઈ જોડાણ યોજના ‘ઉડાન’ હેઠળ 1.40 કરોડ લોકોએ હવાઈ મુસાફરી કરી હતી.
29 દેશોના પ્રતિનિધિઓ આ સમ્મેલનમાં પહોંચ્યાં હતાં
બુધવારથી શરૂ થયેલી બે દિવસીય કોન્ફરન્સમાં 29 દેશોનાં પ્રતિનિધિઓ પરિવહન અને ઉડ્ડયન મંત્રીઓ, એશિયા - પેસિફિક ક્ષેત્રનાં નિયમનકારી સંસ્થાઓ અને ઉદ્યોગ નિષ્ણાતોએ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સમાં 29 દેશોનાં 300 જેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.