દિવાળી પર કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ : બેઝિક પગાર વધશે

લોગવિચાર :

લોકો વારંવાર મોંઘવારી વધવાની ફરિયાદ કરે છે. તેમની ફરિયાદોને ધ્‍યાનમાં રાખીને અને વિવિધ કેન્‍દ્રીય પગાર પંચોની ભલામણો સાથે, ભારતમાં કેન્‍દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં ઘણા નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્‍યા છે. દેશના ૫૦ લાખથી વધુ કેન્‍દ્રીય કર્મચારીઓ ઘણા વર્ષોથી માંગ કરી રહ્યા છે કે તેમના મૂળ પગારમાં વધારો કરવામાં આવે. જુલાઈમાં રજૂ કરાયેલા બજેટથી કર્મચારીઓને ઘણી આશાઓ હતી, પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારમણે આવી કોઈ જાહેરાત કરી ન હતી. સરકારે બજેટમાં ૮મા પગાર પંચના મુદ્દાને વધારે મહત્‍વ આપ્‍યું નથી. હવે નાણા મંત્રાલયના સૂત્રોનો દાવો છે કે સરકારે કર્મચારીઓના મૂળ પગારમાં વધારો કરવાની તૈયારી કરી લીધી છે. દિવાળીથી કર્મચારીઓને તેમના ખાતામાં વધારો પગાર મળશે.

જ્‍યારે સરકારી કર્મચારીઓનો પગાર કરવામાં આવે છે ત્‍યારે તેમાં વિવિધ ભથ્‍થા સામેલ કરવામાં આવે છે. મૂળ પગારમાં વધારો કરવામાં આવે તેવી ઘણા સમયથી માંગ ઉઠી રહી છે. એટલે કે બેઝિક સેલરી ઓછામાં ઓછી ૨૬૦૦૦ રૂપિયા હોવી જોઈએ. આ માંગ બજેટ સત્રમાં પણ ઉઠાવવામાં આવી હતી, પરંતુ તે સમયે સરકારે તેના વિશે વાત કરી ન હતી. હવે માહિતી મળી છે કે સરકાર દિવાળી પહેલા કર્મચારીઓને આ ભેટ આપવાની તૈયારી કરી રહી છે. તેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે. અપેક્ષિત પગાર વધારો ૨૦% થી ૩૫% ની વચ્‍ચે હોઈ શકે છે, જે સંભવિત રીતે લેવલ ૧ નો પગાર લગભગ ૩૪,૫૬૦ રૂપિયા અને લેવલ ૧૮ નો પગાર ૪.૮ લાખ રૂપિયા સુધી લઈ જઈ શકે છે.

ભારતમાં અત્‍યાર સુધીમાં ૭ પગાર પંચની રચના કરવામાં આવી છે. ભારતમાં પ્રથમ પગાર પંચની રચના ૧૯૪૬માં કરવામાં આવી હતી. છેલ્લા ૭મા પગાર પંચની રચના ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ કરવામાં આવી હતી. હવે ૮મા પગાર ધોરણ પંચ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, આઠમા પગાર પંચની રચનાની ફાઇલ શરૂ થઈ ગઈ છે. દેશના એક કરોડ ૧૨ લાખ કર્મચારીઓ અને પેન્‍શનરોને ૮મા પગાર પંચનો સીધો લાભ મળશે.