પોતાનાં વખાણ સાંભળવાનું કોને ન ગમે?

એક નાનકડું કૌટુંબિક ફંક્શન યોજાયું હતું. દસપંદર માણસો ભેગાં થયેલાં હતાં. એક બહેને બધાંને ચાના કપ આપ્યા. મેં ચા પીવા માંડી. પેલાં બહેને મારો અભિપ્રાય પૂછયો, 'કેમ, ચા સારી બની છેને?' મેં નિખાલસ ભાવે જવાબ આપ્યો, 'વધુ સારી બની શકી હોત.” થઈ રહ્યું! પેલાં બહેનને માઠું લાગ્યું. એમની આંખોમાં પાણી આવી ગયાં. હું ક્ષુબ્ધ બની ગયો. મને પસ્તાવો થયો: મેં વળી કયાં સાચો અભિપ્રાય આપ્યો? પાંચેક મિનિટમાં વાત વિસારે પડી ગઈ, પણ મને હજી તે અવારનવાર યાદ આવે છે, એ ઘટનાને ત્રણેક વર્ષ વીતી ગયેલાં હોવા છતાં.

બધા માણસોને પોતાનાં વખાણ સાંભળવાં ગમે છે. કોઈક જ તેમાં અપવાદરૂપ હશે. માણસને અન્યોને મુખે પોતાની પ્રશંસા સાંભળવી ગમે છે એટલું કહ્યાથી વાત પૂરી થતી નથી. માણસને પોતાની ટીકા થાય તે પણ ગમતું નથી. તેમાંય બીજાંઓની હાજરીમાં કોઈ પોતાના કશાક કામની ખોડ કાઢે તે ઘણા લોકોને જરા પણ ગમતું નથી. ‘તમારે મને જે કહેવું હોય તે એકાંતમાં જરૂર કહો, પણ બીજાંઓના દેખતાં તમે મને ઉતારી પાડી તે મારાથી બિલકુલ સહન ન થઈ શકે' તેવો આ લોકોનો પ્રતિભાવ હોય છે.

મનુષ્યસ્વભાવની અનેક મર્યાદાઓને સ્વીકારીને તેમ જ તેની સાથે અનુકૂળતા સાધીને આપણે વર્તવું જોઈએ. ઉપરોકત ઘટના પછી મેં કાન પકડ્યા પેલાં બહેનની કોઈપણ કામગીરીનાં હું વખાણ કરીશ અથવા તે શક્ય ન બને તો હું મૂંગો રહીશ, પણ સાચો, એટલે કે ટીકાત્મક અભિપ્રાય નહિ આપું. બસ, ત્યારથી અમારું ગાડું પુરપાટ ચાલે છે.

પહેલી વાત એ કે ચા બનાવવી એ એક એટલું રૂટીન કામ છે કે તે કર્યા પછી 'ચા કેવી બની છે?' તેવો પ્રશ્ન પૂછી જવાબમાં પ્રશંસા સાંભળવાની ઈચ્છા રાખવી એ જ મારી દૃષ્ટિએ બિનજરૂરી હતું. આ વિશે અભિપ્રાય પુછાયો જ ન હોત તો વાતનું વતેસર ન થાત.

પણ આવા અનુભવો તો જીવનમાં આપણને વારંવાર થતા રહે છે.

મારા એક વયોવૃદ્ધ કવિ મિત્રનો જીવનમંત્ર છે : ક્યારેય કોઈની જરા જેટલીય ટીકા ન કરવી. કોઈક કવિનો નવો કાવ્યસંગ્રહ પ્રગટ થાય અને આ મિત્ર તે ધ્યાનપૂર્વક જોઈ ગયા હોય તો મિત્રમંડળીમાં તેની વાત નીકળે ત્યારે કવિ મિત્ર પેલા કાવ્યસંગ્રહની ભરપૂર ખામીઓ ચીંધી બતાવે, પણ પછી જો અખબારની સાહિત્ય-કટારમાં એ કાવ્યસંગ્રહનું અવલોકન લખે ત્યારે તેમાં તેનાં વખાણ સિવાય કશું ન હોય! હું આશ્ચર્યપૂર્વક એ વિશે પૂછું તો મને એક જ સ્ટાન્ડર્ડ જવાબ મળે: ‘નકામો શા માટે કોઈનો જીવ દુભાવવો?' આમેય એ વૃદ્ધ કવિ મિત્ર જીવદયાના પ્રખર પુરસ્કર્તા છે.

મેં એ પણ નોંધ્યું છે કે જેઓ કદી કોઈની ટીકા કરતા નથી તેઓ પોતાની ટીકા પણ વેઠી શકતા નથી તેથી તેઓ તેવી ટીકાની સંભાવનાને ટાળતા રહે છે. આ જ મિત્રની વાત કરું. વર્ષોથી તેમણે કોઈ પણ સારા સામયિકમાં પોતાની કવિતા પ્રકાશનાર્થે મોકલવાનું બંધ કર્યું છે. મેં તેનું કારણ પૂછ્યું તો કહે, 'સાભાર પરત આવી 'પછી શા માટે મોકલું?' આ પણ પોતાની ટીકા ન સાંભળવાનું એક પ્રકારનું મનોવલણ જ થયું.

બે'ક વર્ષ પહેલાં એક નવોદિત કવિએ મને તેમના પ્રથમ કાવ્યસંગ્રહની પ્રસ્તાવના લખી આપવાની વિનંતી કરી. મનની કોઈક નબળી

ક્ષણે મેં એ વિનંતીનો સ્વીકાર કર્યો. કવિએ તેમના કાવ્યસંગ્રહની હસ્તપ્રત મને મોકલી. હું તે જોઈ ગયો. રચનાઓ મને એકંદરે બહુ

નબળી લાગી. ખાસ કરીને ગઝલોમાં છંદનાં કશાં ઠામઠેકાણાં નહોતાં.

મેં પ્રસ્તાવના લખી. નવોદિત કવિ માટે તે પ્રોત્સાહક નીવડે તેની મેં ખાસ કાળજી રાખી તે સાથે છંદદોષ પ્રત્યે અંગુલિનિર્દેશ કર્યો. થોડા

વખત પછી કવિનો મારા પર પત્ર આવ્યો. બીજું બધું તો બરાબર હતું, પણ છંદદોષ પ્રત્યે મેં જે અંગુલિનિર્દેશ કર્યો હતો તે તેમને નહોતો

રુચ્યો. તેમણે મારી સંક્ષિપ્ત પ્રસ્તાવનાનો પણ પાછો સંક્ષેપ કરી તેની નકલ મને જોવા અને તેને મારી મંજૂરી આપવા માટે મોકલી હતી.

મેં જોયું કે છંદદોષના મેં કરેલા અંગુલિનિર્દેશનો તેમણે સાવ છેદ તો નહોતો ઉડાડવો, પણ તેને ખાસ્સો ગાળીચાળી નાખ્યો હતો.

પલભર તો થઈ આવ્યું કે તેમને નન્નો લખી દઉં, પણ પછી જીવદયાભાવ ઊછળી આવ્યો. મેં તેમને લખ્યું: “યથેચ્છતિ તથા કુરું' અર્થાત્

તમને જેમ ઠીક લાગે તેમ કરો! ‘ભગવદ્ ગીતા’માં જો શ્રીકૃષ્ણે અર્જુનને છેવટે આ પ્રમાણે કહ્યું હોત તો મારું શું ગયું? કવિમિત્રે તેમની ઇચ્છા મુજબ જ કર્યું. તેમના પુસ્તકમાં મારો કાનકૂચી નાખેલો અભિપ્રાય પ્રગટ કર્યો. ઓ.કે. એટલા પૂરતા તો એ ભાઈ રાજી થયા. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે સત્ય બોલવું અને પ્રિય બોલવું. જે સત્ય હોય પણ પ્રિય ન હોય તે ન બોલવું. અને શાસ્ત્રોને તો સ્વીકારવાં જ પડે ৯?

માણસ માત્ર પોતાની પ્રશંસા સાંભળવા જ નથી ઝંખતો, તે તો સંપૂર્ણ અને માત્ર પ્રશંસાને જ ભોગી હોય છે. તમે કોઈની નવ્વાણું ટકા પ્રશંસા કરી અને માત્ર એક ટકો આછીપાતળી ટીકા કરો તોય તમારી સાથે દુશ્મની બાંધી દે તેવા માણસો આપણા સહુના અનુભવમાં આવતા રહે છે. પ્રશંસા એટલે સો એ સો ટકા પ્રશંસા જ, એમાં જરા સરખીય ટીકા આવવી જ શા માટે જોઈએ?

તમે કોઈકને ત્યાં ભોજન અર્થે જાઓ, બધી વાનગીઓ ઉત્તમ બની હોય, પણ પાપડ બરાબર શેકાયા ન હોય તો તમે શું કરશો? પેલી વાનગીઓની મોંફાટ પ્રશંસા કરવાની સાથોસાથ ‘બધું બરાબર, પણ પાપડ કાચા રહી ગયા છે' એમ કહેશો કે કાચા પાપડની ઉપેક્ષા કરશો? હોંશભેર ઉત્તમોત્તમ વાનગીઓ બનાવનાર ગૃહિણીના ઉત્સાહ પર માત્ર પાપડને મુદ્દે ઠંડું પાણી રેડવાનો તમને શો અધિકાર છે? પોઝિટિવ બનો મિત્રો! જે નબળું છે તેની ઉપેક્ષા કરો, તે તરફ આંખમીંચામણાં કરો અને જે સાચું છે તેનાં દિલ ફાડીને વખાણ કરો! તમારી લોકપ્રિયતા વધારવાનો આ જ રાજમાર્ગ છે.

ફરીથી મને એક કવિનો પ્રસંગ સાંભરે છે. કવિ બુઝુર્ગ અને આદરપાત્ર. ગઝલ-સર્જનમાં તો તેમનું મોટું નામ. ક્યારેક ગીતો પણ લખે. તેમની ગઝલો અતિ ઉચ્ચ કક્ષાની, પરંતુ તેની સરખામણીમાં ગીતો ઊતરતાં લાગે. તેમના કાવ્યસંગ્રહની પ્રસ્તાવના એક અગ્રણી કવિએ લખી. પ્રસ્તાવનામાં તેમણે એ સંગ્રહની ગઝલોની તો ભરપૂર પ્રસંશા કરી, પણ ગીતો ફિક્કાં છે તેવો અભિપ્રાય આપ્યો.

પ્રસ્તાવના આવી, વાંચી એટલે પેલા બુઝુર્ગ, આદરણીય કવિ તો દુઃખી દુઃખી થઈ ગયા. તેમણે મને પ્રસ્તાવના વાંચવા આપી. તે વાંચીને મેં કહ્યું, 'તમારી ગઝલોનાં તો ભરપેટ વખાણ છે.' મારા આ શબ્દો કાને ધર્યા વિના તેમણે કહ્યું, ‘પણ ગીતોનાં છોડાં ફાડયાં છે તેનું શું? પછી ઉમેર્યું, “ગીતોની ટીકાવાળો ભાગ કાઢી નાખું?' મેં સંકોચપૂર્વક કહ્યું, “તે સારું નહિ લાગે. જેમણે પ્રસ્તાવના લખી છે તે મૂર્ધન્ય કવિ નારાજ થઈ જશે.' બુઝુર્ગ કવિ મારો મુદ્દો સમજ્યા. તેમણે પ્રસ્તાવના સાથે કશી છેડછાડ ન કરી.

પ્રશંસા મેળવવી, વખાણ ઉઘરાવવાં, અન્યોને વખાણીને પોતે સદભાવ મેળવવો એ મનુષ્ય જાતિનું એક વિશ્વવ્યાપી લક્ષણ છે.

થોડાંક વર્ષ પહેલાં સ્વરચિત કવિતાઓનું પઠન કરવા તથા સાહિત્યવિષયક વ્યાખ્યાનો આપવા માટે મારે અમેરિકા જવાનું થયું હતું. ન્યુ જર્સીમાં એક પ્રખર સાહિત્યરસિક સજજનને ત્યાં હું અને મારી પત્ની જ્યોતિ ઊતર્યાં હતાં.

એક નમતી સાંજે તેમણે તેમના નિવાસસ્થાને જ મારું કાવ્યપઠન ગોઠવ્યું હતું. વીસપચ્ચીસ કાવ્યરસિકો ભેગા થવાના હતા. અમને સૂવા-બેસવા માટે એક અલાયદો ઓરડો અપાયો હતો. એ જ અમારો ડ્રેસિંગરૂમ હતો. કાવ્યપઠનનો સમય થયો એટલે હું અને મારાં પત્ની કપડાં બદલી નીચેના ડ્રોઇંગરૂમમાં ગયાં. મેં નવાં કફની-પાયજામો પહેયાં હતાં. પત્નીએ નવી સાડી પરિધાન કરી હતી.

એમાં નોંધપાત્ર કશું જ નહોતું. પણ અમે જેવાં નીચે ગયાં કે પહેલાં અમારા યજમાને અને પછી યજમાન પત્નીએ મારી કફનીનાં અને

મારી પત્નીની સાડીનાં વખાણ શરૂ કર્યાં! અમારે માટે એ આશ્ચર્ય પામવાનો સમય હતો. પછી શ્રોતાઓ આવવા માંડયા. તેમાંના કેટલાકે

પણ અમારાં વસ્ત્રોની પ્રશંસા શરૂ કરી દીધી. ક્ષણભર તો મને શંકા પડી કે મેં કશુંક ચિત્રવિચિત્ર તો નથી પહેર્યું ને? મેં યજમાનને બાજુએ

લઈ જઈને ધીમે સાદે પૂછ્યું, 'શી વાત છે સાહેબ? આપ બધાં મારાં, પત્નીનાં વસ્ત્રોનાં કેમ આટલાં વખાણ કરો છો?' યજમાને હસીને

કહ્યું, ‘એવો અહીંનો રિવાજ છે!'

જોકે મારે કહેવું જોઈએ કે એ બધાં મિત્રોએ કાવ્યપઠન પછી મારાં કાવ્યોનાં પણ વખાણ કર્યાં હતાં. સાચાં કે ખોટાં તે તો તેઓ જાણે!