હવે માતા-પિતા સગીર બાળકને વાહન આપશે તો દંડ થશે

લોગવિચાર :

જો તમારું સગીર બાળક વાહન લઈને શાળાએ જતું હોય તો આ સમાચાર તમારા માટે છે. અમદાવાદમાં ગેરકાયદે રીતે વાહન ચલાવતા વિદ્યાર્થીઓના માતા-પિતા સામે પગલાં લેવામાં આવશે. આવતા અઠવાડિયાથી જિલ્લા શિક્ષણાધિકારી, શહેર ટ્રાફિક પોલીસ અને RTO સ્પેશિયલ ડ્રાઈવ કરશે.

૧૨૫ સીસીથી વધુ ક્ષમતાના વાહનો ચલાવતા વિદ્યાર્થીઓ અને માતા-પિતા સામે કાર્યવાહી થશે. શાળાઓ વિદ્યાર્થી માટેની જવાબદારી લે તે માટે અમદાવાદ ગ્રામ્ય DEOએ પરિપત્ર કર્યો છે.

જો કે, આ માટે અમદાવાદ RTOએ જુલાઈ મહિનાથી જ કાર્યવાહી શરૃ કરી છે. CBSCના ૭૦ સ્કૂલની તપાસ કરી પરમિટ વિના જે વાહનો વિદ્યાર્થીઓ લાવતા હતા તેમને દંડ કરવામાં આવ્યો છે. અમદાવાદ ડીઈઓના પરિપત્ર પ્રમાણે કામ કરવા RTO તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે, મોટર વ્હીકલ એક્ટર અંતર્ગત સગીરને વાહન આપો અને કોઈ અકસ્માત સર્જાય તો તેના વાલીને ૩ વર્ષની જેલની સજા થઈ શકે છે.

આ સાથે જ વાલી પર ૨૫ હજાર રૃપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા છાશવારે આ મામલે સ્કૂલો અને કૉલેજોમાં ડ્રાઈવ યોજવામાં આવે છે. આમ છતાં ડ્રાઈવ પૂરી થવાના થોડા દિવસો બાદ ફરીથી વિદ્યાર્થીઓ વાહનો લઈને સ્કૂલે આવતા થઈ જાય છે.