લોગવિચાર :
બિહારમાં ફરીથી એક નિર્માણાધીન પુલ તુટી ગયો છે. બખ્તિયારપુર-તાજપુર સિક્સ લેનના નિર્માણાધીન પુલના નંદની લગુનિયા રેલવે સ્ટેશનની ઉત્તરમાં બે થાંભલા રવિવારે રાત્રે તૂટી પડ્યાં હતાં. આ પછી, બ્રિજના નિર્માણમાં રોેકાયેલી નવયુગા એન્જિનિયરિંગ કંપની લિમિટેડના અધિકારીઓમાં હંગામો થયો હતો. રાત્રીનાં અંધકારમાં લાઇટો લગાવીને કંપનીનાં અધિકારીઓ અને કામદારોએ જેસીબીની મદદથી ધરાશાયી થયેલાં પુલનો કાટમાળ માટી નીચે દાટી પુરાવાનો નાશ કરવાનું શરૂ કર્યું હતું.
જો કે, માહિતી મળતાં જ ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. આ મામલામાં કંપનીના પ્રોજેક્ટ મેનેજર જોસેફે જણાવ્યું હતું કે સ્લેબમાં ખામી હતી, જેનાં કારણે તેને તોડી પાડવામાં આવ્યો હતો. સ્લેબ પોતાની મેળે પડ્યો ન હતો. શાહપુર પટોરી અને મોહિઉદ્દીનનગર વચ્ચે નંદિની લગુનિયા રેલ્વે સ્ટેશન પાસેની આ ઘટનાના કારણે બ્રિજની ગુણવત્તા સામે પણ પ્રશ્નો ઉભા થયાં છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારે 2011 માં તેમનાં ડ્રીમ પ્રોજેક્ટ તરીકે બખ્તિયારપુર-તાજપુર ગંગા મહાસેતુનો શિલાન્યાસ કર્યો હતો. 45 કિલોમીટર લાંબા લિંક રોડ અને 5.575 કિલોમીટર લાંબા પુલના નિર્માણમાં કુલ 1603 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.હજુ સુધી બ્રિજનું માત્ર 60 ટકા કામ પૂર્ણ થયું છે. તેનાં પર 1000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ પુલ વર્ષ 2016 માં જ તૈયાર થઈ જવાનો હતો. પરંતુ, વર્ષ 2024 માં પણ કામ પૂર્ણ થઈ શક્યું નથી. મહાસેતુના નિર્માણમાં રાજ્ય સરકાર દ્વારા 307.50 કરોડ રૂપિયા અને કેન્દ્ર સરકાર દ્વારા 277.50 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.