ચારધામ યાત્રાઃ વધતી ભીડને કારણે નોંધણી બાદ વેરિફિકેશન પણ થશે

1થી30 જૂન દરમિયાન 15 લાખ યાત્રીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે: મહત્વની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે

લોગ વિચાર :

ચારધામ યાત્રામાં આ વખતે રેકોર્ડબ્રેક ભીડના કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ હતી. જેના પગલે ઉતરાખંડ ચારધામ યાત્રામાં યાત્રીઓના ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ તેનું વેરિફિકેશન પણ કરવામાં આવશે.

આ કામ પર્યટન વિભાગ યમુનોત્રી માટે બડકોટ, ગંગોત્રી માટે હિતા, બદરીનાથ માટે પાંડુકેશ્વર અને કેદારનાથ માટે સોનપ્રયાગમાં બનાવવામાં આવેલ પોતાના વેરિફીકેશન પોઈન્ટ પર કરશે.

1 જૂનથી લઈને 30 જૂન સુધી ચારધામ યાત્રા માટે 15 લાખ યાત્રીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. આ યાત્રીઓએ ચારધામોમાં દર્શન માટે ચાર મહત્વની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે તેમાં રજીસ્ટ્રેશન વેરિફીકેશન, ટોકન ઈશ્યુ અને સ્ટેમ્પીંગ સામેલ છે.

ચારધામોમાં પોતાના ટાઈમ સ્લોટ અનુસાર દર્શન કરવા માટે પર્યટન વિભાગે ટોકનની વ્યવસ્થા કરી છે. જયારે યાત્રીધામ પર પહોંચે છે તો તેને એક ટોકન ઈશ્યુ કરવામાં આવે છે. જે સમયે તે મંદિરમાં દર્શન કરે છે તે સમયે તે ટોકનનું સ્ટેમ્પીંગ કરવામાં આવે છે.

2024ની શરૂઆતથી લઈને 28 મે સુધી 12 લાખ 82 હજાર 969 યાત્રીઓએ ચારધામના દર્શન કર્યા છે. પર્યટન વિભાગનો દાવો છે કે બદરીનાથમાં સ્લોટ અનુસાર દર્શન કરનાર યાત્રીઓની સંખ્યા 70 ટકા છે. કેદારનાથમાં સ્લોટ અનુસાર દર્શન કરનાર યાત્રીઓની સંખ્યા 50 ટકા ઉપર છે, જયારે ગંગોત્રીમાં ટોકનથી દર્શન કરનારા યાત્રીઓની સંખ્યા 50 ટકા આસપાસ છે.