ડુંગળી-ટામેટા-બટાકાના ભાવ આસમાને : ગૃહિણીઓ પરેશાન

લોગવિચાર :

ટામેટાંના ભાવમાં વધારો ફરી એકવાર રેકોર્ડ સ્‍તરે પહોંચી ગયા છે. છૂટક બજારોમાં ૧૪૦થી ૨૦૦ રૂપિયા કિલોના ભાવે વેચાતા ટામેટાં નવરાત્રિના નહીં પરંતુ મોંઘવારીના ડાકલા વગાડી રહ્યા છે...! માત્ર ટામેટાં જ નહીં ગરીબોની કસ્‍તુરી એવી ડુંગળીના ભાવ પણ આસમાને પહોંચ્‍યા છે. ૮૦ રૂપિયે કિલોના ભાવે પહોંચેલી ડુંગળી ગૃહિણીઓને રાતા પાણીએ રડાવી રહી છે. એની સાથે સાથે બટાકા પણ પાછળ રહ્યા નથી અને ૫૦દ્મક ૫૫ રૂપિયે કિલો વેચાતા બટાકાએ ગૃહિણીઓના બજેટ ખોરવી કાઢ્‍યા છે. દરેક રસોડાની શાન એવા ડુંગળી-બટાકા અને ટામેટાંમાં બેફામ ભાવવધારાથી મધ્‍યમવર્ગની કમર તૂટી ગઇ છે...!

નાસિકની આસપાસના મુખ્‍ય ખેતીવાળા વિસ્‍તારોમાં ટામેટાંના પાકને કમોસમી વરસાદ અને વાયરસના હુમલાને કારણે અચાનક ભાવ વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આના કારણે પુરવઠામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના પ્રતાપે એક સપ્તાહની અંદર જ ધરખમ ભાવવધારો થયો છે. ૨૦ કિલોના ટામેટાંના ક્રેટ હવે ફાર્મ માર્કેટમાં રૂ. ૧,૫૦૦થી રૂ. ૧,૬૦૦માં મળી રહ્યા છે. આ ઉછાળાથી શહેરોમાં ટામેટાંના છૂટક ભાવ રૂ.૧૪૦થી રૂ.૨૦૦ સુધીના થઇ ગયા છે. સ્‍થાનિક બજારોમાં નીચલા ગ્રેડના ટામેટાં રૂ. ૧૦૦થી રૂ. ૧૨૦ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.

ટામેટાંના ખેડૂતોનું કહેવું છે કે, છેલ્લા પખવાડિયામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે અને માત્ર એક ચતુર્થાંશ ઉપજ બચી જવાથી, એક અઠવાડિયામાં ભાવ બમણાથી વધુ થઈ ગયા છે. ગયા સિઝનમાં નબળા વળતરને કારણે ખેડૂતોએ આ વર્ષે ટામેટાંની ખેતીમાં ઘટાડો કર્યો હતો, જેના કારણે જયારે વરસાદ પડ્‍યો ત્‍યારે પુરવઠામાં વધુ તાણ આવી હતી.

જયારે કેટલાક ખેડૂતોને ભાવ વધારાથી ફાયદો થયો છે તો કેટલાકને ભારે વરસાદને કારણે થયેલા નુકસાનની વધારે અસર વર્તાઇ છે. ટામેટાંના વેપારીઓનું કહેવું છે કે એકવાર નવો પાકો આવ્‍યા પછી ભાવ સ્‍થિર થશે, જોકે પશ્ચિમ નાસિકમાંથી ઉપજ ઓછી રહેવાની ધારણા છે. આંધ્રપ્રદેશ અને કર્ણાટકના પ્રદેશો પણ ટામેટાંનો સ્ત્રોત છે, અહીં પણ પુરવઠો ઓછો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. એક અંદાજ મુજબ શહેરમાં ટામેટાંની આવતી ટ્રકમાં ૬૦ થી ૭૦ ટકાનો મસમોટો ઘટાડો થયો છે. એટલે કે માંગ સામેની આવકમાં ૭૦ ટકાના ઘટાડાના પગલે ટામેટાંના ભાગ રોકેટ ગતિએ ડબલ થઇ ગયા છે.!

ગૃહિણીઓ હાલ ટામેટાંના ભાવના લીધે તો હેરાન છે જ પરંતુ સૌથી મોટો ત્રાસ ડુંગળી અને બટાકાના ભાવવધારાના લીધે થઇ રહ્યો છે. એક ગૃહિણીએ જણાવ્‍યું હતું કે, છેલ્લા લાંબા સમયથી ડુંગળી અને બટાકાના ભાવ ઘટવાનું નામ લેતાં નથી અને તેના કારણે નાકે દમ આવી ગયો છે. લીલા શાકભાજી ૧૦૦થી ૧૨૦ રૂપિયે કિલો હોય ત્‍યારે ડુંગળી બટાકા સસ્‍તા હોવાથી રસોડા સચવાઇ જતાં હોય છે પરંતુ ૩૦ રૂપિયાની ડુંગળી અત્‍યારે ૮૦ રૂપિયા અને ૨૫ રૂપિયાના બટાકા અત્‍યારે ૫૦ રૂપિયા સુધી વેચાઇ રહ્યા છે. જેથી ઘરના બજેટ ખોરવાઇ ગયા છે.

વિવિધ ઓનલાઇન પ્‍લેટફોર્મ પર ટામેટાના ભાવ ૯૦ થી ૧૦૦ રૂપિયા સુધીના બતાવે છે. જોકે આ ટામેટાની ગુણવત્તા અંગે સવાલ થાય છે. સારી ક્‍વોલિટીના ટામેટાં મળવા હાલ મુશ્‍કેલ બન્‍યા છે. ત્‍યારે ઓનલાઇન પ્‍લેટફોર્મ પરથી સસ્‍તા ૧૦૦ રૂપિયાના ટામેટાં વેચાઇ રહ્યા છે.