લોગવિચાર :
સતખીરાના શ્યામનગરમાં જેશોરેશ્વરી મંદિરમાં કાલી માતાના મુગટની ચોરી થઈ છે. આ મુગટ વડાપ્રધાન મોદીએ માર્ચ 2021માં બાંગ્લાદેશમાં પોતાની યાત્રા દરમિયાન ભેટ આપ્યો હતો, કોરોના મહામારી બાદ મોદીની કોઈ દેશની આ પ્રથમ યાત્રા હતી.
રિપોર્ટ અનુસાર મુગટની ચોરી ગુરૂવારે બપોરે 2થી 2-30 વાગ્યા વચ્ચે થઈ હતી, જયારે મંદિરના પૂજારી દિલીપ મુખર્જી દિવસની પૂજા બાદ ઘેર ચાલ્યા ગયેલા. બાદમાં સફાઈ કર્મીઓએ જોયું કે કાલી માતાના મસ્તક પરથી મુગટ ગાયબ હતો.
શ્યામનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર તૈજુલ ઈસ્લામે જણાવ્યું હતું કે અમે ચોરની ઓળખ માટે મંદિરના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છીએ. ચાંદી અને સોનાની પરતથી બનેલ મુગટ સાંસ્કૃતિક અને ધાર્મિક દ્દષ્ટિએ ઘણો મહત્વનો છે.
હિન્દુ કથાઓ અનુસાર જેશોરેશ્વરી મંદિર 51 શકિત પીઠો પૈકીની એક છે એવું માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ 12મી શતાબ્દીના ઉતરાર્ધમાં અનાડી નામના બ્રાહ્મણે બનાવ્યું હતું. રાજા પ્રતાપદિત્યે 16મી સદીમાં મંદિરનું પુન: નિર્માણ કરાવ્યું હતું. જેશોરેશ્વરી પીઠ માટે 100 દરવાજાનું મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિર ઈશ્વરીપુરમાં આવેલ છે.