આરબીઆઈએ બ્રિટનમાંથી 100 ટન સોનું ભારતમાં ખસેડ્યું

લોગ વિચાર :

સોનાના ભાવોમાં કેટલાંક વખતથી રેકોર્ડબ્રેક તેજી વચ્ચે ભારતીય રિઝર્વ બેંક જંગી ખરીદી કરી રહી હોવાનું જાહેર થયુ જ છે ત્યારે 1991 પછી પ્રથમ વખત આરબીઆઈએ 100 ટન સોનુ બ્રિટનના વોલ્ટમાંથી ભારતમાં ખસેડયુ છે. આવતા મહિનાઓમાં વધુ 100 ટન સોનુ ભારતમાં લાવવામાં આવશે.

રિઝર્વ બેંકના છેલ્લા રિપોર્ટમાં એમ દર્શાવવામાં આવ્યું જ હતું કે તેના પાસે માર્ચની સ્થિતિએ 822.1 ટન સોનુ હતું તેમાંથી 413.8 ટન સોનુ વિદેશમાં રાખવામાં આવ્યુ છે. ગત વર્ષે રીઝર્વ બેંકે 27.5 ટન સોનાની ખરીદી કરી હતી.

છેલ્લા વર્ષોમાં ખરીદીનો સ્ટોક વિદેશોમાં જ રાખવામાં આવ્યો હતો જે હવે ભારતમાં લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નોર્મલ રીતે બેંક ઓફ ઈન્ડીયા સોનાનો સ્ટોક રાખતી હોય છે. બ્રિટનમાં સોનુ રાખવાની ભારતની દાયકાઓ જુની  પરંપરા છે.

1990ના દાયકાની કટોકટી બાદ ભારત છેલ્લા કેટલાંક વર્ષોથી સોનાની ખરીદી કરી જ રહી છે. પ્રદેશોમાં ભારતનો સ્ટોક વધતો રહ્યો હોવાથી તે હવે ભારત લાવવાનું વલણ અપનાવવામાં આવી રહ્યું છે.

ભારતીયોનો સોના પ્રત્યેનો લગાવ જાણીતો છે અને દર વર્ષે ટનબંધ ખરીદી કરવામાં આવે છે. વિશ્ર્વમાં સોનાની સૌથી વધુ આયાત કરતા દેશોમાં ભારતનું સ્થાન ટોપ પર છે. 1991ની અધિક કટોકટી અને ચંદ્રશેખરની સરકાર દ્વારા સોનુ ગીરવે મુકયુ હતું. 15 વર્ષ અગાઉ રીઝર્વ બેંકે આઈએમએફ પાસેથી 200 ટન સોનાની ખરીદી કરી હતી અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પરથી સતત ખરીદી કરીને સ્ટોક વધારવામાં આવી રહ્યો છે.

કેન્દ્ર સરકારના સૂત્રોએ કહ્યું કે સોનાની ખરીદી અર્થતંત્રની તાકાત અને વિશ્ર્વાસ સુચવે છે. 1991ની સરખામણીએ ભારતનું આર્થિક ચિત્ર તમામ વિરોધાભાસી છે. 100 ટન સોનુ ભારતમાં લાવવાની કવાયત પડકારરૂપ હોય છે અને મહીનાઓના પ્લાન અને વિવિધ દેશો-વિભાગોના સંકલનથી શકય બને છે.