લોગવિચાર :
દિવાળીના મહાપર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દરેક ઘરોમાં દિવાળીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઘરની સાફ-સફાઇથી લઇ નવા કપડા, બુટ, જ્વેલરીની ખરીદી તેમજ ઘર સુશોભન માટે લાઇટ, કંડીલ, સીરીઝ ઇલેકટ્રોનીક દિવા સહિતની ખરીદી પણ શરૂ થઇ ચૂકી છે. સવારથી સાંજ સુધી બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળે છે ત્યારે જેના વગર દિવાળી નાનાથી મોટેરાઓ માટે અધુરી છે તેવા ફટાકડાનું વેચાણ પણ શરૂ થઇ ગયું છે.
હોલસેલ બજારમાં ફટાકડાની ખરીદી મહિના પૂર્વે જ કરવામાં આવી હતી. ત્યારે હવે રીટેઇલ બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ આ વખતે તંત્ર ફાયર એનઓસીના નિયમો ખુબ કડક થઇ ગયેલ છે. આથી રીટેઇલ બજારમાં ખૂબ ઓછી ઘરાકી જોવા મળી રહી છે.
દર વર્ષે ફટાકડામાં નવી વેરાયટી જોવા મળતી હોય છે તેવી જ રીતે આ વખતે પણ નાના બાળકોથી માંડે મોટેરાઓ ખુશ થઇ જાય તેવા વિવિધ પ્રકારના ફટાકડા બજારમાં આવ્યા છે. જેમાં આકાશ ફલેશ, વર્લ્ડવોર, લાલમીર્ચી, ગોલ્ડન ઓક્ટોપસી, જમ્પર સીરીઝ, બ્લુ હેવન, વાયોલેટ, પીન્ક ફેન્ટસી, ઓરેન્જ વર્લ્ડ, પીકોક ડેઝટ, ફેન્ટસી ફીશ, જમીની ફટાકડામાં તળતળીયા, ચીરકુટ, બટર ફ્લાય, ફ્લેશ ગન, પીકોક, અરફી, બબાલબીઝ, જમ્પર, હેલીકોપ્ટર, ડ્રોન, કેમેરા ફ્લેશ, આકાશી આતીશબાજીમાં વર્લ્ડવોર, સ્કાય ફેન્સી, એવન શોર્ટ, પંચ અવતાર સહિતના ફટાકડા ઉપલબ્ધ છે. બાળકો માટે ફુલઝર, શંભુ, ચકરી, પોપપોપ અને યુવાનો માટે આકાશી શોટ્સનું વેચાણ વધુ છે.
આકાશી શોર્ટ્સમાં 12,25, 50, 60, 100, 120, 240, 500 અને 1000ની રેન્જ ઉપલબ્ધ છે. ફટાકડાનો તમામ માલ તામીલનાડુના શિવાકાશીથી આવી રહ્યો છે અને આ વખતે પણ ભાવમાં વધારો છે. કેટલાક ફટાકડામાં 30 ટકાનો અને કેટલાક ફટાકડામાં 7 ટકાનો વધારો નોંધાયો છે. પરંતુ તેની અસર ખરીદી પર જોવા મળી નથી.
છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ છવાયો છે. ફટાકડાના વેપારીઓને પણ વરસાદી માહોલ આફત બન્યો છે. શિવાકાશીમાં પણ વરસાદના કારણે પ્રોડક્શન અટકાવવામાં આવ્યું હતું તેમજ અનેક ફેક્ટરીઓ બંધ થવા પર છે.
હાલ બજારમાં 30 ટકા જ ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ દર વર્ષે દિવાળીના છેલ્લા બે દિવસોમાં જ ઘરાકી જોવા મળે છે. આથી વેપારીઓને પણ છેલ્લીઘડીની ખરીદી પર સારા વેપારની આશા છે. હાલ રાજકોટના વિવિધ વિસ્તારોમાં ફટાકડાના સ્ટોલ લાગી ગયા છે. દિવાળી નજીક આવતા ફટાકડા બજારમાં પણ ઘરાકીની રોનક જામશે.