લોગવિચાર :
દિપાવલીના તહેવારોમાં અને શાળા - કોલેજોમાં મીની વેકેશનના માહોલ વચ્ચે યાત્રાધામ દ્વારકામાં ભાવિકો તથા સહેલાણીઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દ્વારકાની મોટા ભાગની હોટેલોમાં ધન તેરસથી લાભ પાંચમ સુધીના તહેવારોમાં રૂમો બુક થઈ ગયા હતા. અને દ્વારકા તેમજ બરડીયામાં આવેલી હોટલ, રીસોર્ટસ તથા ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓ પણ હાઉસફુલ થયા હતા.
દ્વારકાના જગતમંદિરને દિપાવલીના તહેવારોમાં મંદિરનું વ્યવસ્થાપન કરતી દેવસ્થાન સમિતિ દ્વારા વિવિધ પ્રકારની આકર્ષક લાઈટ, ડેકોરેશન, ફુલો વિગેરેથી સુશોભિત કરવામાં આવ્યા હતા. આ સાથે જગતમંદિરમાં દિપાવલી પર્વના ઉત્સવો દરમ્યાન પણ રાબેતા મુજબની છ ધ્વજાજીઓ ઉપરાંત અન્નકૂટ મહોત્સવો, કુંડલા - કુનવારા - છપ્પન ભોગ, સુકામેવા મનોરથ જેવા ઉત્સવો ઉજવાયા હતા, જેનો લાભ હજારો દર્શનાર્થીઓને મળ્યો હતો.
આ સાથે શિવરાજપુર, બેટ દ્વારકા અને નાગેશ્ર્વર સહિતના તીર્થ સ્થાનો તથા દર્શનીય સ્થળોમાં ઉમટયા હતા. અહીં આવેલા યાત્રાળુઓ, શ્રદ્ધાળુ માટે દ્વારકા ટુરીસ્ટ વિસ્તારમાં આવતા દર્શનીય સ્થળો પૈકીના શિવરાજપુર બીચમાં પણ વેકેશન દરમ્યાન સહેલાણીઓનું પ્રમુખ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું. આ ઉપરાંત દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, મોમાઈ બીચ, ગોપી તળાવ, રૂક્ષ્મણી મંદિર જેવા મહત્વના ધાર્મિક તેમજ સહેલાણીઓને આકર્ષતા કેન્દ્રો પર પણ દીવાળીના મીની વેકેશનમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતું. જે પ્રવાહ સતત ત્રણ-ચાર દિવસ જોવા મળ્યો હતો.