લોગવિચાર :
વર્ષો પહેલા સુરતમાં ભગવાન સ્વામીનારાયણે આપેલી પાઘડી જોવા માટે સુરતના ઘોડદોડ રોડ પર ભકતોની ભીડ ઉમટી હતી. 1881માં સુરત ગયેલા સ્વામીનારાયણ ભગવાને એ સમયે પારસી કોતવાલ અરદેશરને પોતાની પાઘડી અને એક શ્રીફળ આપ્યું હતું કે આજે પણ એ પારસી પરિવાર પાસે છે અને તેમણે એ બન્ને ચીજોનું જીવની જેમ જતન કયુર્ં છે. લોકો પણ આ પાઘડીના દર્શન કરી શકે એ માટે આ પારસી પરિવાર દર ભાઈબીજે એની વ્યવસ્થા કરે છે.
આ કોઈ સામાન્ય પાઘડી નતી, પરંતુ સદીઓ પહેલા ભગવાન સ્વામીનારાયણે એ પહેરી હતી અને 200 વર્ષ પહેલા તેઓ જયારે સુરત ગયા હતા ત્યારે અરદેશર પરિવારને એ ભેટ આપી હતી. 1881માં માગશર સુદ તેરસે સુરતથી નીકળતા પહેલા અરદેશર પરિવારની સેવાથી પ્રસન્ન થઈને આ પાઘડી તેમણે આપી હતી. એ પાઘડી પછી તેમના દીકરા જહાંગીરશાહ પાસે ગઈ. જોકે તેમનું બહુ યુવાનવયે મૃત્યુ થતા એ પાઘડી તેમના પત્ની દોશીબાઈ કોતવાલ પાસેથી જાગીરદાર સોરાબજી એદલજી વાડિયા પાસે આવી. હાલમાં જાગીરદારની ત્રીજી પેઢી પાસે આ પાઘડી સંરક્ષિત છે.
આ પરિવાર આમ તો પારસી છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી તેમણે પારસી ધર્મની સાથે સ્વામીનારાયણ સંપ્રદાય પણ અપનાવ્યો છે. વાડિયા પરીવારે હવે પાઘડી માટે એક અલગ રૂમ બનાવી છે. તેઓ રોજ આ પાઘડીની પૂજા કરે છે. આ પરિવાર શ્રીજી ભગવાનની કંઠી અને પારસી ધર્મની જનોઈ બન્ને ધારણ કરે છે.