શું નવેમ્બરમાં પણ ગરમી પડશે? શિયાળાનાં આગમનના કોઈ સંકેત નહિ

લોગવિચાર :

નવેમ્બર મહિનાનું એક સપ્તાહ વીતી ગયુ છે અને દિવાળી પર્વ પણ પૂર્ણ થવા છતાં હજુ ઉકળાટ અને ઉંચા તાપમાનમાંથી છુટકારો,નથી કે શિયાળાનાં આગમનના કોઈ સંકેત નથી ત્યારે ચાલુ નવેમ્બર પણ હજુ ગરમ જ રહેવાની તથા શિયાળાની ઠંડી માટે વધુ રાહ જોવી પડે તેમ હોવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

ચાલુ નવેમ્બર મહિનામાં 1લી નવેમ્બરે મહ્તમ તાપમાન 37.7 ડીગ્રી નોંધાયુ હતું જે છેલ્લા એક દાયકાનું સૌથી વધુ હતું આ દિવસે ન્યુનતમ તાપમાન પણ નોર્મલ કરતાં 3.3 ડીગ્રી વધુ હતું.

હવામાન વિભાગનાં ગુજરાતના પ્રાદેશીક વડા અશોકકુમાર દાસે કહ્યું કે નવેમ્બરમાં મહતમ તાપમાન નોર્મલથી નીચુ અને ન્યુનતમ તાપમાન નોર્મલથી ઉંચુ રહેવાની સંભાવના છે સામાન્ય રીતે દિવાળી પછી ઊતરીય પવનને કારણે શિયાળાનાં આગમનનો અહેસાસ થતો હોય છે.પરંતુ અત્યારે પવનની દિશા ઉતર પૂર્વ અને પૂર્વની છે.

દિવાળીના દિવસે મહતમ તાપમાન 38 ડીગ્રી નોંધાયુ હતું જે નોર્મલ કરતા 3.1 ડીગ્રી વધુ હતું. ન્યુનતમ તાપમાન 3.7 ડીગ્રી વધુ હતું દિવાળીના પર્વમાં પણ આકરા-ઉંચા તાપમાનનો જ અનુભવ કરવો પડયો હતો.

હવામાન વિભાગનાં રીપોર્ટ પ્રમાણે ઉતર ગુજરાતનાં તાપમાન નોર્મલ કરતા 3-4 ડીગ્રી વધુ હતું. જયારે અન્ય ભાગોમાં 2-3 ડીગ્રી ઉંચુ હતું સામાન્ય રીતે દિવાળી પછી ઠંડીનો અહેસાસ થવા લાગતો હોય છે તેના બદલે હજુ તાપમાન ઉંચુ છે.