લોગવિચાર :
સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ રતન ટાટાએ તેમનાં જીવનકાળ દરમિયાન લાખો લોકોને પ્રેરણા આપવાનું કામ કર્યું હતું. ગયાં મહીને, જ્યારે તેણે આ દુનિયાને અલવિદા કહ્યું, ત્યારે પણ તેણે કંઈક એવું કર્યું જેણે લોકોમાં એક ટ્રેન્ડને લોકપ્રિય બનાવ્યો છે.
હકીકતમાં, તેણે તેનાં પાલતુ કૂતરાં ’ટીટો’ની અમર્યાદિત સંભાળ માટે તેની વસિયતમાં એક ભાગ છોડી દીધો હતો. હવે એવું માનવામાં આવે છે કે ભારતમાં પેટ પેરેન્ટ્સમાં પોતાનાં પેટસ્ માટે વસિયત બનાવવાનો નવો ટ્રેન્ડ શરૂ થઈ શકે છે.
વાસ્તવમાં, પાલતુ કૂતરાં અને બીલાડીઓની સંભાળ માટે વસિયતનામામાં પેટસ માટે વ્યવસ્થા કરવાનો ટ્રેન્ડ વિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ ભારતમાં કદાચ આ પહેલો કિસ્સો છે. જાણીતાં વકીલોનું કહેવું છે કે રતન ટાટાનું આ પગલું વધુ લોકોમાં આ અંગે જાગૃતિ વધારશે અને વધુને વધુ લોકો પાલતું પ્રાણીઓની સંભાળ રાખવા માટે તેમની વસિયતમાં જોગવાઈઓ ઉમેરી શકશે.
ભારતમાં, પાલતુ પ્રાણીને મિલકત અથવા કોઈની વસિયતના અધિકારી તરીકે ગણવામાં આવતાં નથી. આને વ્યક્તિગત મિલકત ગણવામાં આવે છે, તેથી ભારતીય કાયદામાં પાલતું પ્રાણીઓને મિલકત આપવા અથવા તેમનાં નામે ટ્રસ્ટ બનાવવાની કોઈ જોગવાઈ નથી. પરંતુ ઘણાં લોકો તેમનાં પાળતું પ્રાણીને પરિવારનાં સભ્યો તરીકે જુએ છે, અને આ દિશામાં ઉકેલો શોધી રહ્યાં છે.
લો ફર્મ સાયરિલ અમરચંદ મંગળદાસની ભાગીદાર,શૈશવી કહે છે, ઘણાં લોકો ખાસ કરીને વૃદ્ધો અને જેઓ એકલાં રહે છે તે તેમનાં પાલતુ પ્રાણીઓની સંભાળ રાખવા વિશે સલાહ માંગે છે. આ માટે કેટલીક પદ્ધતિઓ છે, જેમ કે પાલતું પ્રાણીની સંભાળ માટે કોઈને પૈસા આપવા અથવા તેને શેલ્ટર હોમમાં મોકલવા અને ત્યાં ભંડોળ આપવું, પરંતુ આ પદ્ધતિઓ સંપૂર્ણપણે સલામત નથી.
મુંબઈ સ્થિત વકીલ ઈશિકાએ જણાવ્યું હતું કે તાજેતરમાં એક દંપતિએ કાયદાકીય પેઢીનો સંપર્ક કરીને તેમની વસિયતમાં તેમનાં કુતરા માટે વ્યવસ્થા કરવા માટે તેમનો સંપર્ક કર્યો હતો.
આ વલણ માત્ર મેટ્રો શહેરો પૂરતું મર્યાદિત છે
રતન ટાટાની વસિયત પછી આવી ડઝનબંધ ઈન્કવાઈરી આવી રહી છે. ઓનલાઈન વિલ મેકિંગ કંપની વિલજિનીના સ્થાપક જતિન પોપટ કહે છે કે તાજેતરમાં જ એક વ્યક્તિએ પાલતું પ્રાણીઓની સંભાળ માટે એક ખાનગી ટ્રસ્ટની રચના કરી અને એક એનજીઓને તેનું લાભાર્થી પણ બનાવ્યું હતું. જોકે, આ ટ્રેન્ડ હાલમાં મેટ્રો શહેરો પૂરતો જ મર્યાદિત છે.
શું ભારતીય કાયદો આને મંજૂરી આપે છે ?
ભારતીય કાયદામાં, પાલતું પ્રાણીઓને મિલકત અથવા પૈતૃક સંપત્તિના વારસદાર ગણવામાં આવતા નથી, તેથી વસિયતમાં તેમનાં નામે કોઈ પણ જોગવાઈ કરવી ભારતીય કાયદા મુજબ યોગ્ય નથી. તેથી રતન ટાટાના કૂતરાં ’ટીટો’ની સંભાળ રાખવાની જવાબદારી કેરટેકરને સોંપવામાં આવી છે.