લોગવિચાર :
અર્ધો નવેમ્બર મહિનો વિતી રહ્યો હોવા છતાં દેશમા હજુ ઠંડી પડતી નથી પરંતુ હવે આવતા દિવસોમાં શિયાળાનો મિજાજ શરૂ થવાનો હોય તેમ કાશ્મીર-લદાખમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે. ઐતિહાસીક મુઘલરોડ બંધ કરવામાં આવ્યો હતો. હિમવર્ષાને પગલે પ્રવાસીઓ સ્કી રીસોર્ટ પર ઉમટવા લાગ્યા હતા.
કાશ્મીરની સુરેજ ખીણ જોજીલા, ગુલમર્ગ, સોનમર્ગ, પીરકી ગલી, પીર પંજાલ રેન્જ સહીતનાં ક્ષેત્રોમાં વતા ઓછા પ્રમાણમાં હળવી ભારે હિમવર્ષા થઈ હતી. હિમવર્ષા વચ્ચે ગાઢ ઘુમ્મસ બનતા હવાઈ સેવા પ્રભાવીત થઈ હતી. જમ્મુની ફલાઈટ શરૂ કરવામાં આવી હતી. જયારે શ્રીનગરની ફલાઈટો રિ-શીડયુલ કરવામાં આવી હતી.
કાશ્મીરનાં પર્વતીય ભાગોમાં હિમવર્ષાની સાથોસાથ રાજોરીમાં ભારે વરસાદ વચ્ચે કરા પણ પડયા હતા. રાજયના મોટાભાગનાં વિસ્તારોમાં વાદળો-ઘુમ્મસનાં કારણે વીઝીબીલીટી ખરાબ રહી હતી. હવામાન વિભાગે હજુ 15-16 નવેમ્બરે વરસાદ તથા હિમવર્ષાની આગાહી કરી છે.
કુપવાડા જીલ્લામાં હિમવર્ષાને પગલે સાધના ટોપ પર બરફની ચાદર છવાઈ હતી. ગુલમર્ગમાં બપોરથી સારી હમિવર્ષા વચ્ચે પ્રવાસીઓ ઉમટયા હતા.રાજૌરી-પુંછને જોડતો મુગલરોડ ભારે વરસાદથી બંધ કરવામાં આવ્યો હતો.
દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી: ચેન્નાઈમાં શાળાઓ બંધ
કાશ્મીરમાં મૌસમની પ્રથમ હિમવર્ષા વચ્ચે દક્ષિણના રાજયોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે. હવામાન વિભાગ દ્વારા તટીય આંધ્રપ્રદેશ, રાયલસીમા, તમિલનાડુ, પોંડીચેરી સહિતના ભાગોમાં ભારે વરસાદનું યેલો એલર્ટ જાહેર કર્યુ છે.
ચેન્નઇની તમામ સ્કુલોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. ઉત્તરના ભાગોમાં હિમવર્ષા અને ધુમ્મસ વચ્ચે દક્ષિણી રાજયોમાં ભારે વરસાદના પગલે જનજીવન પ્રભાવિત રહ્યું છે. ભારે વરસાદના એલર્ટના પગલે ચેન્નઇ સહિતના શહેરો-રાજયોમાં સરકાર દ્વારા આગમચેતીના પગલા લેવાયા છે.