રાજ્યમાં ફરી એકવાર ATS અને નાર્કોટિક કંટ્રોલ બ્યુરોનું સંયુક્ત ઓપરેશન

લોગવિચાર :

દેશમાં ડ્રગ્સની હેરાફેરીનું હબ ગુજરાત બની ગયું છે તેવા વધુ એક સંકેતમાં પોરબંદરના દરિયા કિનારેથી 500 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો છે અને ગુજરાત પોલીસ તેમજ એટીએસ દ્વારા નાર્કોટીક કન્ટ્રોલ બ્યુરોની સહાયતાથી આ ઓપરેશન પાર પાડીને રાજ્યમાં ડ્રગ્સનો મોટો જથ્થો ઘુસાડવાના વધુ એક પ્રયાસને નિષ્ફળ બનાવાયો છે. ગઇકાલે મોડીરાત્રીના મધદરિયે  આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

દિલ્હી નાર્કોટીક કન્ટ્રોલ બ્યુરો મળેલી બાતમી પરથી ગુજરાત પોલીસ અને એટીએસને એલર્ટ કરી દેવામાં આવી હતી અને સંયુક્ત ટીમ ગઇકાલે સાંજથી જ દરિયામાં ડ્રગ્સ લાવી રહેલ બોટને શોધવા માટે સક્રિય બની ગયા હતા. મધરાત્રે પોરબંદર નજીક આવી રહેલ એક બોટને આંતરવામાં આવી હતી. પ્રારંભમાં  તો મચ્છીમારી જેવી દેખાતી આ બોટના ખલાસીઓ પણ માચ્છીમાર હોવાનું દેખાતું હતું.

જેમાં તુર્ત જ તેઓને બોટ રોકવામાં ફરજ પાડવામાં આવી હતી. આ ઓપરેશનમાં નેવીના જહાજોએ પણ ભૂમિકા ભજવી હતી અને બોટની તલાસી લેતા તેમાંથી 500 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. જેની કિંમત કરોડોમાં થવા જાય છે.

રાત્રિના જ ડ્રગ્સ સાથેની બોટ અને ખલાસીઓને પોરબંદર લઇ આવવામાં આવ્યા હતા અને હવે તેમાં સમગ્ર રેકેટ અંગે માહિતી મેેળવાશે. ડ્રગ્સે ગુજરાતમાં મોટુ દુષણ બની ગયું છે. રાજ્યમાં આ પ્રકારે વારંવાર ડ્રગ્સના મોટો જથ્થો પકડવામાં આવે છે.

પરંતુ માનવામાં આવે છે કે, તેનાથી પણ અનેક ગણું ડ્રગ્સ રાજ્યમાં ઘુસાડી દેવાય છે અને દેશભરમાં ત્યાંથી રવાના કરાય છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર વધી રહી હોવાના પુરાવાર છે. સાત વર્ષમાં રાજ્યમાં રૂા. 40 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપી લેવાયું છે.

જો કે ડ્રગ્સ સાથે ઝડપાયેલા લોકો સિવાય આગળની એક પણ કડી ખુલતી નહીં હોવાનું પણ બહાર આવ્યું છે અને તેને કારણે ડ્રગ્સના નિયમિત જથ્થાઓ ગુજરાતના માર્ગે ઘુસી રહ્યા છે.