ચક્રવાત 'ફેંગલ' સાંજ સુધીમાં તમિલનાડુ-પુડ્ડુચેરીમાં ત્રાટકશે : સવારથી ભારે વરસાદ

લોગવિચાર :

બંગાળની ખાડીમાં આકાર લેનાર વાવાઝોડુ ફેંગલ ભયાનક બન્યુ છે અને આજે સાંજે તામીલનાડુ-પુડુચેરીનાં દરીયાકાંઠે ત્રાટકવાની સંભાવના છે.90 કીમીની ઝડપે વાવાઝોડુ ત્રાટકે તે પૂર્વે જ તામીલનાડૂના અનેક ભાગોમાં ભારે વરસાદ શરૂ થઈ જવાને કારણે રેડએલર્ટ જાહેર કરાયું છે. ભારતીય નેવીને પણ સ્ટેન્ડ-ટુ રહેવા સુચવાયું છે. નૌકાદળ દ્વારા પણ ડીઝાસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

ભારતીય હવામાન વિભાગનાં વાવાઝોડા વિભાગનાં વડા આનંદાદાસે કહ્યું કે આજે સાંજ સુધીમાં પુડ્ડુચેરી નજીક ફેંગલ વાવાઝોડૂ ત્રાટકશે.90 કીમીની ઝડપે પવન ફુંકાશે અને વાતાવરણમાં બદલાવ સાથે દરીયામાં રાક્ષસી મોજા ઉછળશે. તામીલનાડુ ઉપરાંત દક્ષિણ આંધ્રપ્રદેશ, કેરળ તતા કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.

વાવાઝોડાની સૌથી વધુ અસર પુડ્ડુચેરીના રેંકલ અને મહાબલીપુરમ નજીક થશે.જયાં સૌથી વધુ તેજ પવન ફુંકાવા ઉપરાંત અતિભારે વરસાદ થવાની સંભાવના છે. વાવાઝોડા-ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને તામીલનાડુ તથા પુડ્ડુચેરીની શૈક્ષણીક સંસ્થાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે.

સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાથી 500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. નૌકાદળને સ્ટેન્ડ-ટુ-રહેવાની સુચના આપવામાં આવી છે. ફેંગલ વાવાઝોડુ ત્રાટકે તે પૂર્વે જ ચેન્નાઈ સહીતનાં રાજયનાં અનેક ભાગોમાં ભારે વરસાદ ત્રાટકયો હતો અને ઠેકઠેકાણે જળ બંબાકારની હાલત સર્જાઈ હતી.

પુરના પાણીથી વાહનોને બચાવવા લોકોએ ઓવરબ્રીજ પર વાહનો પાર્ક કરી દીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલુ ડીપ્રેસન મજબુત બનીને વાવાઝોડામાં ફેરવાયું હતું અને તેને ફેંગલ નામ અપાયુ છે.