હવે આગ્રામાં જામા મસ્જિદની નીચે શ્રી કૃષ્ણની મૂર્તિ હોવાનો દાવો: કોર્ટમાં અરજી

લોગવિચાર :

સંભલમાં એક ધાર્મિક સ્થળનાં સર્વેક્ષણ અને પોલીસ ગોળીબારમાં પાંચ લોકોનાં મોતનાં વિવાદ બાદ હવે એવો દાવો કરવામાં આવ્યો છે કે આગ્રામાં જામા મસ્જિદની નીચે શ્રી કૃષ્ણની મૂર્તિ છે. આ મામલે કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર શનિવારે સુનાવણી થવાની હતી, પરંતુ જજ રજા પર હોવાથી સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી. આ કેસની સુનાવણી હવે 23 ડિસેમ્બરે થશે.

અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, શ્રી કૃષ્ણની મૂર્તિ જામા મસ્જિદની સીડીઓ નીચે સ્થિત છે. યોગેશ્વર શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ ટ્રસ્ટ અને શ્રી કૃષ્ણ જન્મભૂમિ રક્ષિત સેવા ટ્રસ્ટ, પ્રખ્યાત વાર્તાકાર દેવકીનંદન ઠાકુરે આગ્રાની સ્મોલ જસ્ટિસ કોર્ટને વિનંતી કરી છે કે આ મૂર્તિઓને સીડી નીચેથી હટાવીને તેમને સોંપવામાં આવે.

અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, 1670 માં ઔરંગઝેબે કેશવદેવ મંદિરને તોડીને આગ્રાની જામા મસ્જિદની નીચે તેની મૂર્તિને દફનાવી દીધી હતી. એડવોકેટ અજય પ્રતાપ સિંહે કહ્યું કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના પ્રથમ મહાનિર્દેશક એલેક્ઝાન્ડર કનિંગહામે ‘અ ટૂર ઇન ઈસ્ટર્ન રાજપૂતાના 1882-83’ નામનાં તેમનાં અહેવાલમાં ઔરંગઝેબે શ્રી કૃષ્ણ જન્મસ્થાનની ભગવાન કૃષ્ણની મૂર્તિઓને કુદસિયા બેગમની સીડી નીચે દફનાવવાનો ઉલ્લેખ કર્યો હતો.

જદુનાથ સરકારે ’માસીર-એ-આલમગીરી અ હિસ્ટ્રી ઓફ ધ ઔરંગઝેબમાં ઉલ્લેખ કર્યો છે કે, શ્રી કૃષ્ણ જન્મસ્થાન મંદિરનાં શ્રી કૃષ્ણની મૂર્તિઓ આગરાની બેગમ સાહિબ મસ્જિદની સીડીઓ નીચે દફનાવવામાં આવી હતી.

અરજીકર્તાએ કહ્યું છે કે, લોકો સીડીઓ પર આવે છે અને જાય છે, જેનાં કારણે તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે છે. દેવકી નંદન ઠાકુરે કહ્યું છે કે, સમગ્ર સનાતન ધર્મની ભાવનાના રક્ષણ માટે જામા મસ્જિદની સીડીઓનું સર્વેક્ષણ કરવું જરૂરી છે.

પીટીશનરના એડવોકેટ વિનોદ શુક્લાનું કહેવું છે કે, જ્ઞાનવાપી કેસમાં વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એએસઆઈએ રામ મંદિરમાં સર્વે હાથ ધર્યો હતો.

એએસઆઈએ માહિતીનાં અધિકારમાં જણાવ્યું છે કે, આગરાની જામા મસ્જિદમાં ખોદકામ અને તપાસ કરવામાં આવી નથી. જામા મસ્જિદનો કેટલો ભાગ જમીનની નીચે દટાયેલો છે તે જીપીઆર સર્વે અને અન્ય વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા તપાસ બાદ જ જાણી શકાશે.