લોગ વિચાર :
મુંબઈમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે અને અમુક વિસ્તારોમાં વરસાદ પડયો છે. સાયનમાં 30 મીમી (સવા ઇંચ) સુધીનો વરસાદ નોંધાયો છે, પરંતુ મુંબઈના ઘણા ભાગો હજુ પણ પ્રિ-મોન્સૂન વરસાદની રાહ જોઈ રહ્યા છે. તો ગુજરાતમાં 14 જુન સુધીમાં ચોમાસુ બેસવાનું છે.
હવામાન નિષ્ણાતોના અનુસાર પ્રિ-મોન્સુન એક્ટિવિટીઝ ટૂંક સમયમાં વધશે અને અન્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાશે. હાલ મુંબઈમાં લોકોને ગરમીથી રાહત મળી છે. વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયાના અહેવાલ છે.
મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી પડી રહી છે. પરંતુ મુંબઈ માટે આજનો દિવસ રાહતનો છે. કારણ કે, આજે નવી મુંબઈ સહિત અનેક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે લોકોને છેલ્લા કેટલાક સમયથી આકરી ગરમી અને ભેજમાંથી થોડી રાહત મળી છે. દેશમાં ચોમાસાની એન્ટ્રી થયા બાદ પ્રી-મોન્સુન વરસાદે રવિવારે મુંબઈમાં પ્રવેશ કર્યો હતો. ચોમાસું ગોવા પહોંચી ગયું છે અને 10 જૂન સુધીમાં મુંબઈ પહોંચી જશે.
હવામાન વિભાગે તા.8 અને 9 જૂનના રોજ કોંકણ, ગોવામાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે 9 જૂને મધ્ય મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ગરમી અને ભેજવાળા વાતાવરણને કારણે લોકો પરેશાન થયા હતા. હવામાન વિભાગે ગુજરાતમાં 14 જૂન સુધીમાં ચોમાસું બેસવાની આગાહી કરી છે.
દરમ્યાન ઉત્તરપ્રદેશના લખનૌમાં આજે ધીમા વરસાદ સાથે વાવાઝોડુ ફુંકાતા અનેક વિસ્તારમાં મોટર કારો પર ઝાડ પડયા છે. અમુક જગ્યાએ નુકસાની થઇ છે. યુપીના અવધમાં અને પાટનગર લખનૌ આસપાસના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયો છે. આજે તાપમાનમાં પણ ઘટાડો થયો છે.