લોગવિચાર :
ક્રિકેટનાં ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરે તેની પુત્રી સારા તેંડુલકર માટે એક સુંદર ટ્વીટ કર્યું હતું. તેણે એક્સ પર કહ્યું કે, તેણે સારાને સચિન તેંડુલકર ફાઉન્ડેશનની ડાયરેક્ટર બનાવી છે. સચિન તેને આ મહત્વની જવાબદારી સોંપતાં ઘણાં ખુશ દેખાઈ રહ્યાં છે. સચિન લાંબા સમયથી પોતાનાં નામે એક ફાઉન્ડેશન ચલાવી રહ્યાં છે, જેનાં હેઠળ તે ગરીબ બાળકોને શિક્ષણ, સ્વાસ્થ્ય અને રમતગમત સાથે જોડવાનું કામ કરે છે.
મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર બાળકો સાથે સારાની તસવીરો શેર કરતાં લખ્યું કે, મને એ જણાવતાં ખૂબ જ આનંદ થાય છે કે મારી પુત્રી સારા તેંડુલકર સચિન તેંડુલકર ફાઉન્ડેશનમાં ડિરેક્ટર તરીકે જોડાઈ છે. આ દરમિયાન સચિને તેની પુત્રીની તસવીરો શેર કરી હતી.
ઓક્ટોબરમાં 27 વર્ષની થયેલી સારા તેંડુલકરે યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી ક્લિનિકલ અને પબ્લિક હેલ્થ ન્યુટ્રિશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેનાં પિતાએ કહ્યું કે જ્યારે તે રમતગમત, આરોગ્યસંભાળ અને શિક્ષણ દ્વારા ભારતને સશક્ત બનાવવાની આ સફર શરૂ કરે છે, ત્યારે તે યાદ અપાવે છે કે વૈશ્વિક શિક્ષણ કેવી રીતે પુરુ થઈ શકે છે.
મુંબઈમાં સ્કૂલનો અભ્યાસ પૂરો કરનાર સારા તેંડુલકરની ઈન્ટરનેટ પર ઘણી ફેન ફોલોઈંગ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 7.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. સચિન તેંડુલકર ફાઉન્ડેશનની શરૂઆત સચિન અને તેની પત્ની અંજલિ તેંડુલકરે વર્ષ 2019 માં કરી હતી.
આ ફાઉન્ડેશન લોકો, સંસ્થાઓ અને સંસાધનોને જોડીને સમાજમાં પરિવર્તન લાવવાનું કામ કરે છે. તેનો ઉદ્દેશ્ય બાળકો માટે સારું ભવિષ્ય બનાવવાનો છે. સારા આ સંસ્થા માટે પહેલાથી જ તમામ કામ કરતી રહી છે, પરંતુ હવે સચિને તેને ફાઉન્ડેશનનો ડાયરેક્ટર બનાવી છે.