લોગવિચાર :
બિહાર વિધાન પરિષદની તિરહુત ગ્રેજ્યુએટ મતવિસ્તારની પેટાચૂંટણી માટે જાહેર કરાયેલ મતદાર યાદીમાં એક ચોંકાવનારી ભૂલ સામે આવી છે. વિચિત્ર ભૂલનો મામલો મુઝફ્ફરપુરના ઔરાઈ બ્લોક વિસ્તારનાં બૂથ નંબર 54 સાથે સંબંધિત છે. ઔરાઈ બ્લોક ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં સેંકડો મતદારોના પિતાનું નામ મુન્ના કુમાર નોંધવામાં આવ્યું છે.
724 મતદારોમાંથી 138 હિન્દુ મુસ્લિમ લોકોનાં પિતાનું નામ મુન્ના કુમાર અંકિત હતું. મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ બાદ તેમાં સુધારો કરવો મુશ્કેલ છે. આ ભૂલ મતદારોમાં માત્ર મૂંઝવણ જ નથી ઉભી કરી રહી છે પરંતુ તેમને નિરાશ પણ કરી રહી છે. આ વિચિત્ર કૃત્યથી મતદારો નારાજ છે.
5 ડિસેમ્બરે તિર્હુત મતવિસ્તાર માટે મતદાન કર્યા પછી, મત ગણતરી 9 ડિસેમ્બરે એમઆઈટી કેમ્પસમાં થવાની છે. આ માટે જિલ્લામાં 41 મુખ્ય અને 45 સહાયક મતદાન મથકો સહિત કુલ 86 બુથ બનાવવામાં આવ્યાં છે. જિલ્લાનાં 45031 પુરૂષ, 22511 સ્ત્રી અને 5 ત્રીજા લિંગના મતદારોના નામ મતદાર યાદીમાં દર્શાવાયા છે.
ઔરાઈ બીડીઓ ઓફિસના બૂથ નંબર 54 ની મતદાર યાદીમાં સીરીયલ નંબર 1054 પછી 19 ટકા મતદારોના પિતા મુન્ના કુમારનું નામ છે. આ મતદારોને ડર છે કે તેઓ મતદાનથી વંચિત રહી શકે છે.
ટેકનિકલ ભૂલને કારણે સમસ્યા આવી
એવું કહેવામાં આવ્યું છે કે જે મતદારોના પિતાનું નામ એમથી શરૂ થાય છે, તેમનું નામ યુનિકોડ ફોન્ટના કારણે મુન્ના કુમાર તરીકે નોંધાયેલું છે. તિરહુત ડિવિઝનના કમિશનર સરવનન એમએ કહ્યું કે, આ એક ટેકનિકલ ભૂલ છે, જેને ચૂંટણી પછી સુધારી લેવામાં આવશે. તેમણે ખાતરી આપી હતી કે આ ભૂલને કારણે કોઈપણ મતદાર તેમનાં મતાધિકારથી વંચિત રહેશે નહીં. ટેકનિકલ ભૂલના કારણે અનેક પિતાનાં નામ એક જ થઈ ગયાં છે.