ખ્યાતિ કૌભાંડ : પોલીસ ઉપરાંત ઈન્કમટેક્સ પણ તપાસમાં ઝંપલાવશે

લોગવિચાર :

દર્દીઓના મેડીકલ ટેસ્ટ તથા બીનજરૂરી સર્જરી કરીને કેન્દ્ર સરકારની પીએમજેએવાય યોજના અંતર્ગત કરોડો રૂપિયા કટકટાવવાના કૌભાંડમાં સામેલ રાજકોટના જાણીતા ડો. સંજય પટોલિયાની ભાગીદારીવાળી અમદાવાદની ખ્યાતિ હોસ્પીટલના કેસોની પોલીસ તપાસ કરી જ રહી છે. હવે ઈન્કમટેકસ પણ તપાસમાં ઝંપલાવશે. પોલીસ દ્વારા જ કરોડો રૂપિયાના વ્યવહારની તપાસમાં સામેલ થવા ભલામણ કરવામાં આવ્યાના નિર્દેશ છે.

ખ્યાતિ હોસ્પીટલમાં છેલ્લા વર્ષો દરમ્યાન 8000થી વધુ સર્જરી થવાના અને તેમાં 112 લોકોના મોત થયાનુ જાહેર થયુ જ છે. 3842 સર્જરી સરકારી યોજના હેઠળ થઈ હતી. જે પેટે સરકાર પાસેથી કરોડો રૂપિયા વસુલવામાં આવ્યા હતા. સરકારમાંથી જ કરોડો રૂપિયાની આવક છતાં ટેકસચોરી માટે હોસ્પીટલ દ્વારા દોઢ કરોડની ખોટ જ દર્શાવવામાં આવતી હતી. હોસ્પીટલ સંચાલકો ટેકસચોરી મારફત જંગી માત્રામાં કાળા નાણાં ધરાવતા હોવાની શંકાના આધારે ઈન્કમટેકસનો સહયોગ માંગવામાં આવ્યો છે.

તપાસનીશ પોલીસના સૂત્રોએ કહ્યું કે 1 સપ્ટેમ્બર 2021થી 4 નવેમ્બર 2024 સુધીમાં હોસ્પીટલમાં કુલ 8564 મેડીકલ પ્રોસીજર અથવા સર્જરી થઈ હતી. હોસ્પીટલના 39 ટકાની ભાગીદારી ધરાવતા અને બે દિ’ પુર્વે પકડાયેલા રાજકોટના તબીબ ડો. સંજય પટોલિયાએ પુછપરછમાં હોસ્પીટલ ખોટમાં હોવાનું કહ્યું હતું. ગુનાહિત કાવતરાને જ એક ભાગ હોવાની શંકા છે. કાળાનાણાં છુપાવીને ટેકસચોરી કરાયાનું જણાય છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદ લેવામાં આવી છે અને હવે ઈન્કમટેકસને પણ સામેલ કરવામાં આવશે.

ખ્યાતિકાંડમાં પોલીસ દ્વારા અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી ગણાવાનો કાર્તિક પટેલ હજુ હાથમાં આવ્યા નથી. છેલ્લે તે દુબઈમાં હોવાનું પોલીસની જાણમાં આવ્યુ હતું. આ સિવાય ફરાર રાજશ્રી કોઠારીની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.

બીજી તરફ પોલીસ દ્વારા રાજયના આરોગ્ય વિભાગ પાસેથી પીએમજેએવાય યોજનાને લગતા દસ્તાવેજો માંગવામાં આવ્યા હોવા છતાં હજુ મળ્યા નથી. સમગ્ર કૌભાંડમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની પણ સંડોવણી માલુમ પડી છે અને આવતા દિવસોમાં તેમની પણ ધરપકડ થશે. ખ્યાતિકાંડના કાર્તિક પટેલ રાજકીય વગ ધરાવતા હોવાની ચર્ચા થઈ જ રહી છે.