મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ પોપકોર્ન બ્રેઈન સિન્ડ્રોમ સર્જે છે : ચિંતાજનક સ્થિતિ

લોગવિચાર :

તમારો મોબાઈલ જો આસપાસ ના હોય તો તમે અકળાઈ જાવ છો! રાત્રીના સુતા સમયે પણ મોબાઈલ સાથે જ રાખવાની ટેવ લગભગ તમામને છે તમો મોબાઈલ પર કોઈ મુવી કે વિડીયો કલાક સુધી જોઈ શકો છો પણ કોઈ પુસ્તકના બે ચાર પાના વાંચો અને મગજ થાક કે કંટાળો અનુભવે છે!

આ તમામ છે કે તમો પોપકોર્ન-બ્રેઈન સિન્ડ્રોમના શિકાર બની ગયા છો આ એક મોબાઈલ સાથે જોડાયેલી બિમારી કહો તો બિમારી અને તમારી માનસીક નબળાઈ કહો તો નબળાઈ પણ તે તમારા માટે ખતરનાક સાબીત થઈ શકે છે.

આ એક નકારાત્મક માનસીક સ્થિતિ છે. મોબાઈલ પર તમો કેટલો સ્ક્રીન ટાઈમ ગાળો છો તે તમારો મોબાઈલ ખુદ કહે છે પણ તમો તેની ચિંતા કરતા જ નથી. પોપકોર્ન બનતા જોયા છે! જે રીતે તે ફુટે છે તે સ્થિતિ તમારા મગજમાં સતત ચાલતી રહે છે જે તમોને કોઈ કામ પર ધ્યાન કેન્દ્રીત કરવા દેતુ જ નથી. તમારો હાથ આપોઆપ મોબાઈલ ભણી ખેચાઈ જ જાય છે.

હાલમાં જ સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં ખુબજ ગંભીરતાથી કહે છે કે ફકત વયસ્ક નહી ટીન એજરને પણ હવે મોબાઈલની બિમારી થવા લાગી છે. સૌરાષ્ટ્ર યુનિ.એ 15થી29 વયની વચ્ચેના 1364 લોકોના સર્વે કર્યા બાદ આ તારણ કાઢયું હતું.

સૌરાષ્ટ્ર યુનિ.ના માનસશાસ્ત્ર વિભાગના આસી. પ્રોફેસર ધારા દોશી કહે છે કે, આ સર્વેએ ખાસ કરીને પ્રયાસોમાં જે રીતે ઉંઘમાં પણ પોપકોર્ન બ્રેઈન સિન્ડ્રોમ સર્જે છે તે ખતરનાક છે. આ એક વ્યક્તિગત અને સામાજીક રોગ બની ગયો છે અને તેમના આ અભ્યાસનો ઉદેશ લોકોમાં એક જાગૃતતા સર્જવાનો છે.

આસી. પ્રોફેસર ધારા દોશીના માર્ગદર્શન હેઠળ આ સર્વે ઉન્નતિ દેસાઈ અને રીંકા વિંઝુડા દ્વારા કરવામાં આવ્યો હતો. તેઓ કહે છે કે, વિદ્યાર્થીઓના અભ્યાસમાં આ સિન્ડ્રોમ ખૂબજ નકારાત્ક પૂરવાર થઈ રહ્યું છે.

વિદ્યાર્થીઓ સ્વીકારે છે કે, તેઓ વાંચવામાં કે અભ્યાસમાં એકાગ્રતા લાવી શકતા નથી. ડિજીટલ ગેઝેટના વધુ પડતા ઉપયોગથી તેઓએ એક એવી સ્થિતિનો શિકાર બને છે કે તેઓ મોબાઈલ નોટીફીકેશન કે તેના સ્ક્રીન પરના કન્ટેન્ટને મિસ કરી રહ્યા છે તેવી બેચેની અનુભવે છે.

જેમ જેમ સ્ક્રીન ટાઈમ વધતો જાય છે તેમ તેમ આ સ્થિતિ વણસતી જાય છે અને પછી તે ભવિષ્યમાં માનસીક રીતે સતત અપસેટ રહે તેવી સ્થિતિ બને છે. આ બિમારીના ભવિષ્યના પણ અનેક ખતરા છે.

સર્વેના સંકેતો
► 80%એ સ્વીકાર્યુ કે તેઓ નોટિફીકેશન ટોન સાંભળ્યા બાદ તુર્તજ જો સ્ક્રીન ન જુઓ તો કંઈક ચુકી ગયાનો અહેસાસ કરે છે.
► 74.4% સોશ્યલ મિડિયા પોષ્ટ પર લાઈક-કોમેન્ટ ન મળે તો નિરાશા-હતાશા અનુભવે છે.
► 74.5% પોતે અન્ય કામમાં વ્યસ્ત હોય તો પણ તેમના મોબાઈલ પર સતત સ્ક્રોલ કરે છે.
► 70.6% વારંવાર ફોન ચેક કરવો તે તેના માટે એક આદત બની ગઈ છે અને તેમ ન કરી શકે તો તેઓ બેચેની અનુભવે છે.
► 62% કબુલ કરે છે કે તમો અન્ય કામમાં સતત એકાગ્રતા રાખી શકતા નથી.

પોપકોર્ન બ્રેઈન સિન્ડ્રોમ એ એક માનસિક સ્થિતિ છે જેમાં લોકોના મગજ એ સતત કંઈને કંઈ ઉછળે છે જે અન્ય કામમાં તેનું ધ્યાન કેન્દ્રીત કરવા દેતું નથી જે તેની કાર્યક્ષમતાને પણ ઘટાડે છે.

◙ લક્ષણો
♦ કામમાં ધ્યાન કેન્દ્રીત થતું નહી.
♦ નિર્ણય લેવાની ક્ષમતા ઘટે છે.
♦ મોબાઈલ સતત તપાસવાની આદત પડે છે.
♦ સ્વભાવ સતત બદલાતો રહે છે, મનમાં કોઈને કોઈ તિવ્ર આવેગ સર્જાય છે.
♦ ઉંઘ પર અસર થાય છે.
♦ માથાનો દુખાવો, સ્મૃતિ ઘટવી ખુદને થાકી ગયેલા અનુભવાય છે.